તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
ઘરકંકાસમાં ખીરસરાના યુવાને ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી
માનસિક અસ્વસ્થ મહિલાએ ઝેરી દવા પી લીધા બાદ મૃત્યુ

જામખંભાળીયા, તા. ર : કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અરવિંદભાઈ રાણાભાઈ વાઘ નામના ૪૭ વર્ષના યુવાનને તેમના પત્ની સાથે કજીયો-કંકાસ ચાલી રહ્યા હતા. આ વચ્ચે તેમના પત્ની તેમને છોડીને પોતાના માવતરે જતા રહ્યા હતા. આ બાબતે અરવિંદભાઈને મનમાં લાગી આવતા તેમણે ગઈકાલે રવિવારે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે વિનયભાઈ દાનાભાઈ વાઘએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના હરીયાવડ ગામે રહેતા મધુબેન અશ્વિનભાઈ હડીયલ નામના ૩૧ વર્ષના સતવારા મહિલાએ પોતાની માનસિક બીમારીથી કંટાળીને તા. ૨૦ નવેમ્બરના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેના કારણે તેમની તબિયત સુધરી ગઈ હતી અને તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા.
આ પછી તા. ૨૭ નવેમ્બરના રોજ તેમની તબિયત પુનઃ લથડતાં તેણીને વધુ સારવાર અર્થ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અશ્વિનભાઈ નરશીભાઈ હડીયલએ કલ્યાણપુર પોલીસને કરી છે.
રાવલના મહિલા પર હુમલો
રાવલ ગામે રહેતા મટુબેન રામભાઈ ભીખાભાઈ કાગડિયા નામના ૪૨ વર્ષના મહિલા પોતાના ઘરે હતા, ત્યારે આ જ ગામનો કિશન હમીર કાગડિયા તેમની પાસે આવ્યો હતો અને તેમને કહેલ કે ૅતું મારા બાપુજીને શું કામ મેસેજ કરે છે.ૅ- તેમ કહી, ગાળો કાઢી હતી.
આટલું જ નહીં, આરોપી કિશન સાથે આવેલા સંતોકબેન હમીરભાઈ કાગડિયા તેમજ એક અજાણ્યા યુવાન અને એક અજાણી મહિલા મળી કુલ ચાર શખ્સોએ તેમના પર લાકડાના ધોકા વડે હુમલો કરતા તેમને ફ્રેકચર જેવી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં બે અજાણ્યા સહિત કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.
મીઠાપુરમાં પુત્ર ઉપર હુમલો
મીઠાપુર વિસ્તારમાં ટાઉનશીપ ખાતે રહેતા સાંગાભા પ્રાચાર્યભા જામ નામના ૨૦ વર્ષના યુવાન તેમના દત્તક લીધેલા પિતા સાથે રહેતા હતા. ત્યારે તેમના મૂળ પિતા એવા આરોપી ભીખુભા સાંગાભા જામ (રહે. આરંભડા - ગાયત્રીનગર) એ ફરિયાદી સાંગાભાના દાદી પાસે આવી અને પોતાનો દીકરો મને પાછો આપી દો તેમ કહેતા દાદીએ ના પાડી હતી. જેથી ભીખુભાએ ફરિયાદી સાંગાભાના દાદીને ગાળો આપતા તેઓ વચ્ચે પડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા ભીખુભાએ સાંગાભાને ફડાકા ઝીંકી, લાકડી વડે માર મારતા તમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ભાણવડની ગુજરી બજારમાંથી મહિલાનો મોબાઈલ ચોરાયો
ભાણવડના ભરતપુર ગામે રહેતા નીરૂબેન મનસુખભાઈ મારુ નામના ૩૧ વર્ષના મહિલા શનિવારે ભાણવડમાં આવેલી ગુજરી બજારમાં આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યો ગઠિયો તેમનો રૂપિયા ૧૪,૦૦૦ જેટલી કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન સેરવી ગયાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાડીનારમાં પાંચ
જુગારીઓ ઝડપાયા
વાડીનાર ગામે રવિવારે બપોરના સમયે ખુલ્લી જગ્યામાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિપા ખેરા પારીયા, મેઘા ભીમા પિંગલસુર, પુના ભૂરા રાઠોડ, દિનેશ માલા પારીયા અને હમીર મેઘા પારીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. ૪,૬૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
