<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પોસ્‍ટ ઓફિસોમાં ઈડીના દરોડા ૧૮ કરોડનું કૌભાંડ, ૨.૫૦ કરોડની માલમત્તા જપ્ત

રાજકોટ, ગોંડલ, જામનગર, ભુજ સહિત ૧૯ સ્‍થળોએ તપાસ, પોસ્‍ટ ઓફિસમાં બચત રાખનારા વર્ગમાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :..  દેશમાં મોટો વર્ગ પોસ્‍ટ ઓફિસમાં નાણાકીય રોકાણને સલામત ગણી નાણાં રાખી રહ્યો છે ત્‍યારે અમુક મુઠ્ઠીભર લોકોના કારણે આ વિશ્વાસ ચિંતામાં ફેરવાયો છે. કેન્‍દ્ર સરકારે આવા તત્‍વો સામે કડક પગલાં ભરવાના શરૂ કરી ઈડી દ્વારા સૌરાષ્‍ટ્ર કચ્‍છના ૧૯ સ્‍થળોએ પોસ્‍ટ ઓફિસો માં દરોડાઓ પાડી કૌભાંડી પોસ્‍ટ કર્મીઓ પાસેથી ૧ કરોડ રૂ.ની રોકડ તેમ જે ૧.૫૦ કરોડની મિલ્‍કત મળી ૨.૫૦ કરોડની માલમત્તા જપ્ત કરી છે.       અમદાવાદ ઝોનલની ઈડી ટીમ દ્વારા રાજકોટ, જામનગર, સુરેન્‍દ્રનગર, અને કચ્‍છની પોસ્‍ટ ઓફિસોમાં બંધ ખાતાઓ ચાલુ કરી નાણાં ઉપાડી લેવાના પાંચ મોટા કૌભાંડોની તપાસ હાથ ધરી હતી. એજન્‍ટો સાથે મળી પોસ્‍ટના ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા થયેલ આ કૌભાંડમાં રાજકોટ, ગોંડલના મેંગણી, ચોટીલા, જામનગરના સૂરજકરાડી, ભુજના રાવલવાડી સ્‍થિત પોસ્‍ટ ઓફિસોના ૬૦૬ બંધ રીકરીંગ એકાઉન્‍ટ બોગસ દસ્‍તાવેજો સાથે ફરી શરૂ કરી ૧૮ કરોડ ૬૦ લાખ રૂપિયા ચાંઉ કરી જવાયા હતા.   આ કૌભાંડમાં પોસ્‍ટ માસ્‍તરો દ્વારા નકલી પાસબુક પણ ઇસ્‍યુ કરાઈ હતી. જ્‍યારે કૌભાંડીઓ અસલી પાસબુક અને નકલી સહી, દસ્‍તાવેજ દ્વારા રૂપિયા ઉપાડી લેતા હતા. જોકે, પોસ્‍ટ ઓફિસમાં નાણાકીય સલામતીનો વિશ્વાસ જળવાય એ માટે સરકારે ભ્રષ્ટ અને ગુનેગાર તત્‍વો વિરુદ્ધ જેલ અને મિલકત જપ્તીની કાર્યવાહી કરી રૂપિયા ગુમાવનાર લોકોને તેમના રૂપિયા પરત મળે એવા પગલાં તાકીદે ભરવા જોઈએ.

(10:55 AM IST)