<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ખાણ-ખનિજના ક્ષેત્રે પર્યાવરણ મંજૂરીના અસ્‍પષ્ટ અર્થઘટનો વિકાસની રાહને રૂંધે છે

કચ્‍છ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસો. ફોકિઆની મુખ્‍યમંત્રીને આ મડાગાંઠ ઉકેલવા અપીલ

 (વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્‍છમાં ઔદ્યોગિક જૂથોનું પ્રતિનિધિત્‍વ કરતી અગ્રણી સંસ્‍થા ફેડરેશન ઓફ કચ્‍છ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) એ રાજ્‍યના ખાણ-ખનીજ ક્ષેત્રે સામે આવી રહેલા પડકારોને પહોંચી વળવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલને તાકીદની અપીલ કરી છે. આ રજૂઆત પર્યાવરણીય મંજૂરી (EC)ની જરૂરિયાત સંદર્ભે ઉભા થતા અવરોધો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે, જેના કારણે ખાણકામ પ્રવળત્તિઓમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયો છે.

ફોકિઆએ ગુજરાતના ખાણ-ખનિજ સેકટરમાં હાલે જે મડાગાંઠ જેવી પરિસ્‍થિતિ સર્જાયેલી છે તેનો તાત્‍કાલિક નિવેડો લાવવા અનુરોધ કર્યો છે. મહદઅંશે વહીવટી અડચણો અને પર્યાવરણીય અનુપાલનના અનુસરણને વળગી રહેવાના વલણને કારણે ઉદ્વવેલો ગૂંચવાડો ધીમે ધીમે હવે રાજ્‍યભરમાં માળખાગત અને આર્થિક પ્રવળતિઓને ગળે ટુંપો આપી રહ્યો છે. આ સંદર્ભે ફોકિયા દ્વારા એક વિગતવાર અભ્‍યાસ કરવામાં આવ્‍યો છે. આ અભ્‍યાસમાં પડકારો અને તેના નિરાકરણનો તલસ્‍પર્શી રિપોર્ટ રજુ કરાયો છે.           

ભારતમાં ખાણ-ખનીજને લગતી પ્રવળત્તિઓ ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, ૧૯૫૭ હેઠળ સંચાલિત થાય છે, જે રાજ્‍ય સરકારોને ગૌણ ખનિજો માટેના મુખ્‍ય નિયમનકારો તરીકે નિયુક્‍ત કરે છે. જ્‍યારે કેન્‍દ્ર સરકાર સર્વોચ્‍ચ સત્તા જાળવી રાખે છે, ત્‍યારે ગુજરાત માઇનોર મિનરલ કન્‍સેશન રૂલ્‍સ, જે સૌપ્રથમ ૧૯૬૬માં રજૂ કરવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ ૨૦૧૦ અને ૨૦૧૭માં તેમાં સુધારો કરવામાં આવ્‍યા હતા, આ નિયમો રાષ્‍ટ્રીય પર્યાવરણીય નીતિઓ સાથે સંરેખિત, ગૌણ ખનિજ પ્રોજેક્‍ટ્‍સ માટે પર્યાવરણીય મંજૂરી (EC) જરૂરિયાતો રજૂ કરે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ (NGT) ના નિર્દેશોને કારણે પર્યાવરણીય દેખરેખ ખુબ જ જટિલ બની ગઈ છે. તાજેતરના કેટલાક ચુકાદાઓથી હવે ગૌણ ખનિજના ખાણકામ પ્રોજેક્‍ટ્‍સ માટે પણ ECનું મૂલ્‍યાંકન ડિસ્‍ટ્રિક્‍ટ લેવલ એન્‍વાયર્નમેન્‍ટ ઇમ્‍પેક્‍ટ એસેસમેન્‍ટ ઓથોરિટી (DEIAA) ને બદલે રાજ્‍ય સ્‍તરીય પર્યાવરણ અસર મૂલ્‍યાંકન સત્તામંડળ (SEIAA) દ્વારા કરવામાં આવે એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ વાતને કારણે વહીવટી વિલંબ અતિશય થઇ રહ્યો છે. ચાલુ ખાણકામની પ્રવળત્તિઓ પણ અટકી ગઈ છે.

(11:22 AM IST)