<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ગિરનાર પર ૬૦ કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાતા સવારથી રોપવે બંધ

પવન વધતા લઘુતમ તાપમાનમાં ધરખમ વધારો, ઠંડી ઘટી

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા. ૪ : ગિરનાર પર ૬૦ કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાતા સવારથી રોપવે બંધ કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ પવન વધતા લઘુતમ તાપમાનમાં ધરખમ વધારો થવાથી ઠંડી ઘટી હતી.

મંગળવારે જુનાગઢ ખાતે સવારનું તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિલોમીટરની રહી હતી પરંતુ આજે સવારે જુનાગઢ શહેરમાં પવનની ઝડપ વધીને ૫.૭  કિલોમીટરની થવાની સાથે લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૨૨.૮ ડિગ્રીએ પહોંચી જતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી. અને ઠંડી ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૫૭ ટકા થઈ ગયું હતું.

વહેલી સવારથી ઝંઝાવાતિ પવન ફૂંકાતા જનજીવનને અસર થઈ છે.

જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે રાબેતા મુજબ રોપવે શરૂ કરવામાં આવ્‍યો હતો. પરંતુ તોફાની પવન ફુકાવાનું શરૂ થતાં યાત્રિકોની સલામતીને ધ્‍યાન રાખી રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.

ગિરનાર રોપવેના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ગિરનાર પર્વત પર સવારથી ગિરનાર પર ૬૦ કિલોમીટરથી વધુની ઝડપે ફું કાઈ રહ્યો હોવાના કારણે રોપવે બંધ રાખવામાં આવ્‍યો છે. જ્‍યારે પવન સામાન્‍ય થશે ત્‍યારે રોપવે સેવા રાબેતા મુજબ કરવામાં આવશે.

(12:16 PM IST)