<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

વ્‍યાજે લીધેલા ૧૦ લાખના ૨૦ લાખ કઢાવવા જુનાગઢમાં મેંદરડાના આધેડને ગોંધી માર માર્યો

ધમકી પણ આપી, ૬ શખ્‍સ સામે ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૪: વ્‍યાજે લીધેલા ૧૦ લાખના ૨૦ લાખ કઢાવવા જુનાગઢમાં મેંદરડાના આધેડને ગોંધી રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ૬ શખ્‍સ સામે થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની અને હાલ સુરત ખાતે રહેતા ૫૨ વર્ષના જીતેન્‍દ્રભાઈ છગનભાઈ ભાખરે આઠેક મહીના પહેલા પોતાની દિકરીના લગ્ન કરવા સારૂ જૂનાગઢના બટુક રાડા હસ્‍તક રાજુ રબારી નામના શખ્‍સ પાસેથી છ ટકા વ્‍યાજે રૂપિયા પાંચ લાખ તથા માંડા હુંણ પાસેથી છ ટકા વ્‍યાજે રૂપિયા પાંચ લાખ ઉછીના લીધા હતા.

જેની અવેજમાં બટુક રાડાએ જીતેન્‍દ્રભાઈ પાસેથી તેમના સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેંકનો કોરો ચેક મેળવી અને આ રૂપિયા અને તેનું વ્‍યાજ સાથે મળી રૂપિયા ૨૦ લાખ કઢાવવા માટે બટુક રાડાએ મેંદરડા થી પોતાની I20 ફોરવ્‍હીલ કારમાં ધરારથી બેસાડી જાપટો મારી આંબાવાડીમાં વીડીના કારખાના પાસે આવેલ તેમની ઓફીસે લઇ આવી ગોંધી રાખ્‍યા હતા.

બટુક રાણાએ તેની ઓફીસમાં આધેડ પાસે રૂ. ૨૦ લાખની માંગણી કરી પ્‍લાસ્‍ટીકના પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેમજ હેમાંગ રબારીએ કમરએ બાંધવાના પટ્ટાથી તથા ઉદય રબારીએ ઢીકા ઢીકા પાટુથી માર મારી અને હરેશ રબારીએ ભુંડી ગાળો કાઢી અને રાજુ રબારી ઘોડાવાળો અને માંડા હુણએ  ફોન ઉપર વ્‍યાજના રૂપિયાની માંગણી કરી હતી.

આ અંગે આધેડ દ્વારા ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવતા જુનાગઢ બી ડિવિઝન પોલીસે વ્‍યાજખોરો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીએસઆઇ કે. એસ. સુવા ચલાવી રહ્યા છે.

(2:27 PM IST)