<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

4 વર્ષની વયે અપહરણ થયેલો બાળક 24 વર્ષ બાદ પોતાના ઘરે પાછો ફર્યો :અમરેલીમાં અનોખો કિસ્સો

યુવકની ખરાઈ કરવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો: જો ડીએનએ મેચ થશે તો 24 વર્ષ પૂર્વે માતા-પિતાથી દૂર થયેલો જાગૃતને તેનો પરિવાર મળશે.

અમરેલીમાં 4 વર્ષની ઉમરે અપહરણ થયેલો 24 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. જોકે યુવકની ખરાઈ કરવા માટે પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે.

વિવિધ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, અમરેલીમાં આવેલા મણિનગરમાં રહેતા જિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઈ અઢિયાને ત્યાં 1996ના રોજ પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ જાગૃત રાખવામાં આવ્યું હતું. જાગૃતે 10 માર્ચ 2000ના રોજ સાંજના સમયે કાકા સાથે રહી રહેલા બાને મળવાની જીદ કરી હતી. ઘર નજીક હોવાથી માતા-પિતાએ તેને એકલો જવા દીધો હતો. જોકે રસ્તામાં તેનું અપહરણ થઇ ગયું હતું. જાગૃતને શોધવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી.

જાગૃતનું અપહરણ થયું ત્યારે તેની ઉમર પોણા ચાર વર્ષ હતી. તેને શોધવા માટે ટીમોની રચના કરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. માતા-પિતાએ પણ આશા છોડી દીધી હતી. આ ઘટનાને 24 વર્ષ વીતી ગયા બાદ એક દિવસ એક યુવક તેના આંગણે આવ્યો અને કહ્યું કે તે જાગૃત છે.

જાણવા મળેલી વિગતો અનુસાર, 24 વર્ષ પૂર્વે એક ટ્રક ડાઇવર હરિયાણામાં બાળકને એક ઢાબા પર મૂકી ગયો હતો અને જણાવ્યું હતું કે આ બાળક ગુજરાતનો છે. બે-ત્રણ ઘર ફર્યા બાદ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભગવાનદાસે તેનો ઉછેર કર્યો હતો. તેમના નિધન બાદ આ યુવક પોતાના માતા-પિતાની શોધ માટે ગુજરાત આવ્યો હતો. પોતાનો એક વીડિયો પણ વાયરલ કર્યો હતો. 28 વર્ષીય યુવકનો ચહેરો લોહાણા પરિવારને મળતો આવતો હોય પોડાશમાં રહેતી મહિલાએ પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે યુવકને ઘરે બોલાવ્યો હતો.

જાગૃતના શરીર પર જે પ્રકારના નિશાન હતા એ જ પ્રકારના નિશાન આ યુવકના શરીર પર પણ જોવા મળ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ યુવક અને માતા-પિતાના લોહીના નમૂના લીધા છે અને ડીએનએ ટેસ્ટ માટે મોકલ્યા છે. પરિવાર સાથે યુવકે 8 દિવસ ગાળ્યા હતા અને મહારાષ્ટ્ર ગયો છે. હવે યુવક, લોહાણા પરિવાર તથા પોલીસ ડીએનએ રિપોર્ટની પ્રતિક્ષા કરી રહ્યાં છે. જો ડીએનએ મેચ થશે તો 24 વર્ષ પૂર્વે માતા-પિતાથી દૂર થયેલો જાગૃતને તેનો પરિવાર મળશે.

(7:03 PM IST)