<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

હળવદના ખેતરડી ગામના રોહિત દેકાવાડીયા પર માથક ગામે દારૂના ડખ્‍ખામાં છરીથી હીચકારો હુમલો

યુવાન પોતાના કાકા અને પિત્રાઇ સાથે દારૂ લેવા ગયો ત્‍યારે અજો નામના શખ્‍સે બોટલ નથી કહી ના પાડી દેતાં ડખ્‍ખો થયા બાદ પીઠમાં છરી ભોંકી દેવાઇઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૫: હળવદના ખેતરડી ગામે રહેતાં રોહિત રૈયાભાઇ દેકાવાડીયા (ઉ.વ.૨૫) નામના યુવાન પર ગત રાતે અગિયારેક વાગ્‍યે નજીકના માથક ગામે પેટ્રોલ પંપ પાસે છરીથી હુમલો થતાં પીઠમાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

રોહિત બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો છે અને પિતા સાથે ખેત મજૂરી કરે છે. તેના કાકા મહિપતભાઇ સાર્દુલભાઇ દેકાવાડીયાએ જણાવ્‍યું હતું કે અમારે દારૂ પીવો હોઇ ગત રાતે હું તથા રાહુલ અને મોટા બાપુનો દિકરો યોગેશ લાલજીભાઇ દેકાવાડીયા માથક ગામના અજો કોળી પાસે બોટલ લેવા ગયા હતાં. પરંતુ ત્‍યાં ગયા પછી અજાએ દારૂ તમને આપવો નથી તેમ કહી ઝઘડો કરતાં ગાળાગાળી થઇ હતી. આ વખતે અજા અને સાથેના શખ્‍સોએ ઉશ્‍કેરાઇ જઇ છરીથી હુમલો કરી રોહિતને પીઠમાં ઘા મારી દીધો હતો. હું વચ્‍ચે પડતાં મને પણ હાથમાં ઇજા થઇ હતી.

રોહિતને રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ હળવદ પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહિપતભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે અજા કોળી સાથેના શખ્‍સોએ પણ મારકુટ કરી હતી.

(1:48 PM IST)