<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

બાંગ્લાદેશમાં મુસ્લિમો દ્વારા હિન્દુઓ ઉપર આચરાતી હિંસા, અત્યાચાર, હત્યા સામે સરકાર પગલા ભરે: કચ્છમાં વિશાળ રેલી

હિન્દુ સમાજ અને મંદિરો ઉપરના કટ્ટરવાદી મુસ્લિમોના હિંસક હુમલા અને હત્યાના આઘાતજનક બનાવો સામે વિશ્વ ધ્યાન આપે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : તાજેતરમાં સત્તા પલટા બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ, હિન્દુ મંદિરો ઉપર કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા સતત કરાઈ રહેલા હુમલા, હત્યા સામે ભારત સરકાર પગલાં ભરે એવી ઉગ્ર માંગ સાથે કચ્છના હિન્દુ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. હિન્દુ અસ્મિતા મંચ કચ્છના નેજા હેઠળ ભુજમાં યોજાયેલ આ રેલીમાં બાંગ્લાદેશના હિન્દુઓની હત્યાના બનાવો, હિન્દુ સમાજ ઉપર થઈ રહેલ હુમલા, ખોટા કેસ દ્વારા અત્યાચાર તેમ જે હિન્દુ મંદિરોમાં તોડફોડના બનાવોને આઘાતજનક ગણાવી સૌ એ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ભગવા ઝંડા અને બેનરો ઉપરાંત મૌન રેલી મારફતે હિન્દુઓ ઉપરના અત્યાચાર સામે આકરો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. સમગ્ર વિશ્વ હિન્દુ સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારને અટકાવવા અવાજ ઉપાડે અને બાંગ્લાદેશ સહિત અન્ય બીજા દેશોની સરકારો હિન્દુઓનું રક્ષણ કરે એવી માંગ કરાઈ હતી. ભારત સરકાર હિંદુઓના રક્ષણ માટે આકરા પગલાં ભરે એ માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું હતું. સમગ્ર કચ્છના વિવિધ સમાજો એ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હિન્દુઓ ઉપરના અત્યાચાર સામે સૌ એક થઈ અવાજ ઉપાડે એવી લાગણી વ્યક્ત કરી હતી.

(3:29 PM IST)