<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

હેપી બર્થ ડે ભુજ: આજે ૪૭૭ મો સ્થાપના દિવસ

મહારાવશ્રી ખેંગારજી પહેલા હમીરાઈ તળાવડીને કાંઠે આવેલ આ શહેરની સ્થાપના કરી'તી : તેમણે પ્રથમ ખીલી ખોડી એ આજે પણ ભુજના દરબારગઢમાં છે જેનું ભુજ સ્થાપના દિવસે પૂજન કરાય છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : આજે કચ્છના પાટનગર ભુજનો ૪૭૭ મો સ્થાપના દિવસ છે. વિક્રમ સવંત ૧૬૦૫ માગસર  સુદ પાંચમના મહારાવશ્રી ખેંગારજી પહેલા હમીરાઈ તળાવડીને કાંઠે આવેલ આ શહેરની સ્થાપના કરી. તેમણે પ્રથમ ખીલી ખોડી એ આજે પણ ભુજના દરબારગઢમાં એ ખીલી છે. જેનું ભુજ સ્થાપના દિવસે પૂજન કરાય છે. રાજાશાહીમાં કચ્છના રાજવીઓ અને આઝાદી બાદ શહેરના નગરપતિ દ્વારા ખીલી પૂજન કરવાની પરંપરા આજેય જળવાઈ રહી છે. ભુજંગ નાગની દંતકથા સાથે સંકળાયેલ ભુજિયા ડુંગર ઉપરથી ભુજ શહેર નું નામ પડ્યું છે. ૨૦૦૧ ના વિનાશક ભૂકંપ બાદ તત્કાલીન સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ ભુજ શહેરનું નવ નિર્માણ થયું. એક સામે પાંચ નાકા અને છઠ્ઠી બારી એમ નાનકડા વિસ્તારમાં માંડ પોણો લાખની વસ્તી ધરાવતું ભુજ શહેર આજે ૫૬ કિમી ના વિસ્તારમાં પોણા ત્રણ લાખની વસ્તી સાથે વિસ્તરી ચૂક્યું છે. ભૂકંપ પછી રિંગ રોડ, બાયપાસ રોડ, નવી રિલોકેશન સાઇટો, અદ્યતન હોસ્પિટલ, નવી સરકારી કચેરીઓ ઉપરાંત સ્મૃતિ વન મ્યુઝિયમ ના નિર્માણ સાથે નરેન્દ્રભાઈ મોદીએ આજે ભુજને વૈશ્વિક નકશામાં નવી ઓળખ અપાવી છે.

(9:51 AM IST)