<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જાણો કેવી રીતે ચા ની હોટલે નકલી ED ની રેડનો પ્‍લાન ઘડાયો? કઈ રીતે પૂર્વ કચ્‍છ પોલીસે રાજ્‍યમાં ચકચારી બનેલ આ કિસ્‍સાનો ભેદ ઉકેલ્‍યો?

સરકારી કર્મચારી, પત્રકાર, પતિ-પત્‍ની, જમીન દલાલ, માહિતી આપનાર ધંધાર્થી સહિત ૧૩ જણની સંડોવણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ :.. કચ્‍છના ગાંધીધામમાં નકલી ED ની ટીમના દરોડાએ સમગ્ર રાજ્‍યમાં ચકચાર સર્જ્‍યા ના બનાવનો ભેદ ગણતરીના કલાકોમાં બોર્ડર રેન્‍જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્‍છ પોલીસના એસપી સાગર બાગમાર, ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે ૧૦ ટીમો બનાવી આ બનાવની તપાસ આદરી અને સીલસીલાબંધ હકીકતો બહાર આવી છે.

આદિપુરમાં રહેતા સોની ભરત શાંતિલાલ મોરવાડીયાએ મેઘપર બોરીચીમાં રહેતા પોતાના મિત્ર દેવાયત વીસુ ખાચર (કાઠી) ને માહિતી આપી હતી કે ગાંધીધામમાં આવેલ રાધિકા જ્‍વેલર્સના કનૈયાલાલ ઠક્કર ૧૦૦ કરોડની માલદાર પાર્ટી છે તેના ઉપર પાંચેક વર્ષ પહેલા ઇન્‍કમટેક્‍સની રેડ પડી હતી. એટલે દેવાયત ખાચરે ભુજના કચ્‍છ મશાલ વીકલી છાપાના પત્રકાર અબ્‍દુલ સત્તાર માંજોઠીને આ માહિતી આપી આ પત્રકારે પોતાના મળતિયા અને ભુજમાં જમીન દલાલનું કામ કરતા હિતેશ ઠક્કર તેમ જે વિનોદ ચુડાસમાને આ વાત કરી. સૌ આદિપુરમાં ચા ની હોટલે ભેગા થયા ત્‍યાં નકલી ED ની રેડનું કાવતરું ઘડ્‍યું.

 વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાને પ્‍લાન જણાવ્‍યો આશિષે પોતાના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી અમદાવાદના અન્‍ય લોકો અમિત મહેતા અને નિશા મહેતા (પતિ-પત્‍ની), ડીઆરએમ રેલવે ઓફિસના સરકારી કર્મચારી શૈલેન્‍દ્ર દેસાઈ ને તૈયાર કર્યા. રેલવે કર્મચારી શૈલેન્‍દ્ર દેસાઈએ ED  અંગે ગૂગલ ઉપર સર્ચ કરી પોતાના ફોટા સાથે અંકિત તિવારીના નામે ED  ઓફિસરનું નકલી આઇડી કાર્ડ બનાવ્‍યું. ED  અધિકારીઓ સૂટ પહેરે એવું ઓન લાઇન સર્ચમાં ધ્‍યાને આવ્‍યું હોઈ ત્રણ જણાએ સૂટ પહેર્યો. મહિલાઓની તપાસ માટે નિશા મહેતાને તૈયાર કરાઈ. આરોપીઓએ રેકી કરી હોઈ દુકાને તેમ જે ઘર બંને જગ્‍યાએ રેડ પાડી. ગુનેગાર પોતાનો સુરાગ મૂકી જાય છે અને ગુનેગાર કરતા પોલીસ એક કદમ આગળ હોય છે એ ફરી એકવાર સાબિત થયું.

પોલીસે કામગીરી શરૂ કરી રેડ દરમ્‍યાન આરોપીઓએ દુકાનના સીસી ટીવીના ડીવીઆર કાઢી લીધા હતા પરંતુ એના પહેલા જ્‍યારે આરોપીઓ એન્‍ટ્રી થયા ત્‍યારના ફૂટેજ મેળવ્‍યા. દુકાન અને ઘરની બહારના રસ્‍તાઓ ઉપરના સીસી ટીવી ફૂટેજ મેળવ્‍યા. આ ઉપરાંત આરોપીઓએ એક ભાઈનું ઘર બંધ હોઈ તેનું ઘર ખોલાવવા કરેલ મોબાઈલ ફોન અને દુકાને એક કર્મચારી ઘેરહાજર હોઈ એને કરેલ મોબાઇલ ફોન ના નંબર મેળવ્‍યા. ટોલનાકાથી બહાર જતા વાહનોના સીસી ટીવી ફૂટેજ મેળવ્‍યા. પોલીસ એક પછી એક ટેકનીકલ સર્વેલન્‍સ સાથે આરોપીઓની ઓળખ મેળવવાનું શરૂ કર્યું અને આરોપીઓ ઓળખાઈ ગયા. ૧૨ ઝડપાયા એક ૧૩ મો આરોપી અમદાવાદનો વિપિન શર્મા હજી ફરાર છે.

(12:12 PM IST)