News of Friday, 6th December 2024
વામન ભગવાને ગિરનાર ક્ષેત્રમાં પ ક્ષેત્રપાળની સ્થાપના કરી'તીઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા
જુનાગઢના શ્રી ભુતનાથ મહાદેવ મંદીરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શ્રીમદ ભાગવત કથામાં પૂ. મુકતાનંદબાપુ, પૂ. મહાદેવગીરી બાપુ, જવાહરભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ મશરૂ સહીતના ઉપસ્થિત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૬: જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળા નિર્માણના લાભાર્થે શરૂ થયેલી શ્રીમદ્ ભાગવત કથામાં ચોથા દિવસે વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ સૂર્યવંશ અને ચંદ્રવંશની સ્થાપનાની ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, તમારે ઘેર જો ઓચિંતા જ કોઈ વેદપાઠી બ્રાહ્મણ આવી જાય તો સમજવું તમારા ભાગ્ય ખુલી ગયા. તેમણે વામન અવતાર વિશેની વાત કરતાં કહ્યું હતું કે, જો ગિરનારની ભૂમિમા ગિરનારની વાત ન કરું તો તેનો દોષી કહેવાઉ. વામન ભગવાન પણ ગિરનારમાં આવ્યા હતા. તેમણે દામોદરજીની પૂજા કરી હતી. અંબાજીના દર્શન કર્યા હતા. ગિરનારની ચારેય તરફ ક્ષેત્રપાળની સ્થાપના કરી હતી. એ પછી તેઓ આગળ વધ્યા છે. તમારા ઘરમાં વર્ષમાં એક વખત વેદમંત્રો સંભળાય તો શ્વેતકણો વધી જાય એમ હું નહિ ઓક્સફર્ડ યુનિવર્સિટીનુ સંશોધન કહે છે. તમે જ્યારે બધું આપી દો ત્યારે તમારામાં અહંકાર આવી જાય છે કે મેં બધું આપી દીધું છે. આ અહંકાર દૂર કરવા માટે દુર્વાસા આવે. તેને શાંત કરવાનું કામ શ્નભાવનાઙ્ખ કરી શકે. ગાયની સેવા કરવાથી રઘુ જેવા પુત્ર ની પ્રાપ્તિ થાય એમ તેમણે સૂર્ય વંશની વાત વખતે કહ્યું હતું. આખા વાલ્મીકિ રામાયણમાં ભગવાને કયાંય નથી કહ્યું, હું રામ. કૌશલ્યાજીએ કહ્યું છે પ્રભુ તમે મનુષ્ય રુપે આવો ભગવાનના રૂપમાં નહીં. તેમણે આ સાથે વાનર વિશે કહ્યું હતું કે, વાનર એટલે આપણે વાદરો કહીએ છીએ એ નહીં પણ વાનર એ જાતિ હતી. તેનું મોઢું વાનર જેવું અને પૂંછડી હતી. પણ સાથે મનુષ્ય જેવી વાણી હતી. કાળક્રમે એ આખી જાતિ નાશ પામી ડાયનોસોરની માફક. કારણકે તે સંપૂર્ણ રીતે વિકસિત નહોતી.
ગુરુવારે કથામાં શ્રી કળષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ ચાપરડા, મહાદેવગિરીબાપુ, અમળતગીરીબાપુ ચકાચક બાપુ, રૂપલમાં - રામપરા, મહાપ્રભુજીની બેઠકના મુખ્યાજી ધ્રુવકુમાર ઠાકર સુરજબાબુ, ઉપરાંત પૂર્વ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરુ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાલે ભાગવત કથામાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૬: કાલે ભાગવત સપ્તાહમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહની મહાદેવગીરી બાપુના અધ્યક્ષ સ્થાને સમસ્ત આહિર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે જેમાં બપોરે ૩ કલાકે દિપાંજલી સોસાયટીથી ભૂતનાથમંદિર સુધી ઠાકોરજીના લગ્નની જાન આવશે અનેરો ઉત્સાહ છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
