<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

કચ્છમાં નકલી ED બાદ હવે ખનીજ માફિયાઓનું નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ: ખનીજ કચેરીના સહી સિક્કા સાથેના નકલી પાસ ઝડપાતા ચકચાર

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ:  ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમએ અંજારમાં નકલી રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ના પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી પાસ બનાવવામાં આવ્યા હતા. નકલી રોયલ્ટી પાસને લઇ ૫ શખ્સઓ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ખાણ ખનીજની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. આ બનાવને લઇ ૨ લીઝ ધારક, પાવરદાર, વાહન માલિક, વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કિરણબેન ગજ્જર, જગદીશભાઇ ચોટારા, ચમનલાલ હડીયા, પ્રદીપ પટેલ અને મુકેશ તેજાબાઈ હડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. ગત ૨૧/૧૧ ના રોજ અંજારના તુણા પોર્ટ રોડ ખનિજ ચોરી અંગે ફ્લાઈંગ સ્કવોર્ડ અને પૂર્વ કચ્છ ખનિજ વિભાગની તપાસમાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. તપાસમાં ૪ વાહનો રોયલ્ટી પાસ કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજ ભરેલ મળી આવેલ હતા. જેમાં પ્રદીપ પટેલ નામનો વાહન ચાલક નકલી રોયલ્ટી પાસ સાથે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ પરિવહન કરતો સામે આવ્યું હતું. GJ12BX9730 ના ચાલક પ્રદીપ પટેલએ તપાસ ટીમ સમક્ષ નકલી રોયલ્ટી બતાવી હતી

રોયલ્ટી પાસ નકલી હોવાનુ જાણતા હોવા છતા ખનીજ ઓવરલોડ વહન કરવા અંગેનુ ખોટુ સોગંદનામું રજુ કરી ટ્રક નંબર- GJ12BX9730 વાળામાં કુલ. 42.77 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજ વહન કરી 3,19,779 ની ખનીજ ચોરી કરી ગુનો કરેલ હતો. પૂર્વ ખાણ ખનીજએ નાગલપર મોટીમાં સર્વે નંબર 162 પૈકી બ્લેક ટ્રેપ લીઝ ધરાવતા કિરણબેન ગજ્જર તેના પાવરદાર જગદીશભાઈ ચોટારાઓને ફાળવેલ રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ સામે આવી હતી. ફ્લાઈંગ સ્કવોર્ડ તપાસમાં સ્પેશીયલ સિક્યુરીટી પેપર (SSP) ના 172 કોરા પેપર્સ મિસિંગ મળ્યા હતા. 172 SSP પેપર કોના કબ્જા ભોગવટામાં છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરેલ છે તે બાબતે કોઈ સચોટ કે સત્ય હકીકત આરોપીઓએ જણાવેલ  નથી. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત ખનીજ (ગે.કા. ખણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમ-૨૦૧૭, માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૧૯૫૭ અને ભારતીય ન્યાય સંહીતાની કલમો તળે ફરિયાદ દાખલ કરાઈ છે.

(9:41 PM IST)