તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
વંચિતો, શોષિતો, પીડિતોના ઉધ્ધાર માટે સંપુર્ણ જીવન ખર્ચી નાખનારા ડો.બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિને તેમના આદર્શોને અપનાવવા ભાનુબેનનો અનુરોધ
વંચિત સમાજના બાળકોને વિદેશ અભ્યાસ માટે લોન સહાય આપી વિદ્યાર્થીઓના સપનાને ઉંચી ઉડાન આપતી ગુજરાત સરકારઃ વિનોદભાઇ ચાવડા

રાજકોટઃ ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ-સૌરાષ્ટ્રના ૧ર જીલ્લાના અનુસુચિત જાતીના લાભાર્થીઓને લોન/સહાય વિતરણનો ‘‘વંચિતો વિકાસની વાટે'' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ ૧ર જીલ્લાના ૧૮૪૦ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ રૂા.૩૪૩પ.૭ર લાખની લોન/સહાયનું વિતરણ કર્યુ હતું.
સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા ભુજ ખાતે આયોજીત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતુ કે, ડો.બાબાસાહેબ આંબેડકર વિશ્વફલક પર ગુંજતુ નામ છે. તેમણે ભારતને બંધારણની ભેટ આપીને દેશની મોટી સેવા કરી છે. બાબાસાહેબે વંચિતો, શોષિતો, પીડિતોના ઉધ્ધાર તથા તેમની પ્રગતી માટે સંપુર્ણ જીવન ખર્ચી નાખ્યું હતું. ત્યારે આ જ રાહ પર દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ચાલી રહયાં છે. વંચિતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ કેન્દ્ર અને રાજય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ ઘર ઘર પહોંચે તે માટે સરકાર કટીબધ્ધ છે.
મંત્રીશ્રીએ ડો.બાબાસાહેબને જ્ઞાનનો ભંડાર ગણાવતા તેમના વિદ્યાર્થીકાળના પ્રેરણાત્મક કિસ્સા જણાવવા સાથે તેમની વિવિધ ભાષાના જ્ઞાતા ગણાવી તેમને શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાવ્યા હતાં. મંત્રીશ્રીએ તમામ નાગરીકોને બંધારણનું સન્માન કરીને તેમણે ચીંધેલા માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદ ચાવડાએ કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાની છણાવટ કરીને ઉપસ્થિતોની વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વંચીત સમુદાય માટે કચ્છમાં છાત્રાલયની સુવિધાઓનો ઉલ્લેખ કરીને વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને લોન સહાય આપીને રાજય સરકાર તેમના સપનાઓને ઉંચી ઉડાન આપીને સશકત દેશના ભાવિનું ઘડતર કરી રહી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ડો.બાબાસાહેબના વિચારોને મુર્તિમંત કરવા પ્રયત્નશીલ વડાપ્રધાનશ્રીએ બાબાસાહેબ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કરીને નાગરીકોને અમુલ્ય ભેટ આપી છે, આ સાથે સમાજના વંચિત વર્ગને ઉપર લાવવા અનેક યોજના અમલી કરીને તેની જન જન સુધી પહોંચ વધારી છે.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ભુજ નગરપાલીકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, પુર્વ ધારાસભ્યશ્રી રમેશ મહેશ્વરી ઉપસ્થિત રહયાં હતાં.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
