તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
રાજકોટ ગ્રામ્યમાં બાળલકવા વિરોધી અભિયાનઃ પ્રથમ દિવસે ૧.૬૧ લાખથી વધુ બાળકોને રસી
સરપદડમાં ડી.ડી.ઓ ડો.નવનાથ ગવ્હાણેના હસ્તે પ્રારંભ

રાજકોટ જિલ્લાના પડધરી પંથકના સરપદડ ગામમાં જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણેના હસ્તે બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો પ્રારંભ કરાયેલ તે પ્રસંગની તસવીર.
રાજકોટ, તા. ૮ ડીસેમ્બર - દેશમાંથી બાળલકવાની નાબુદી કરવા માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગઇકાલ તા. ૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાંચ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના આયુષ્માન આરોગ્ય મંદિર વીરડાવાજડી પોલીયો બુથનું ઉદદ્યાટન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરપદડ પોલીયો બુથનું ઉદદ્યાટન જિલ્લા વિકાસ અધીકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોવિયા પોલીયો બુથનું ઉદદ્યાટન જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી લીલાબેન ઠુંમરના હસ્તે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધોળીધાર પોલીયો બુથનું ઉદદ્યાટન મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી કંચનબેન બગડા તેમજ જિલ્લાના અન્ય પોલીયો બુથનું ઉદદ્યાટન આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્યના પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને પોલીયો વિરોધી રસી આપવાનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧,૮૮,૫૫૭ બાળકોને રસી આપવા માટે ૯૨૬ રસીકરણ બુથ અને ૧૭૪૧ રસીકરણ ટીમો કાર્યરત છે. આ કામગીરી આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવકો કરી રહ્યાં છે. ૧૮૭ સુપરવાઈઝરો સુપરવિઝન કરી રહ્યા છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૩૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન જેવી જાહેર જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
તા. ૦૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ પ્રથમ દિવસે આરોગ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ બુથ બનાવીને ૧,૬૧,૯૮૦ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ દરેક દ્યરોની મુલાકાત લઇને, કોઈ બાળક રસી લેવામાં બાકી નથી તેની ખાત્રી કરશે. રસીકરણમાં બાળક બાકી રહી ગયેલા કુલ ૨૬,૫૭૭ બાળકોને સ્થળ પર જ રસી આપવામાં આવશે. આમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર. આર. ફૂલમાળી, આર.સી.એચ.ઓ.શ્રી ડો. પરેશભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા પોલિયો રસીકરણની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી રહી છે, તેમ યાદીમાં જણાવાયું છે.(૩૬.૬)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
