તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
હીરા ઉદ્યોગમાં ૫૦ વર્ષની સૌથી મોટી મંદી : અમરેલી જિલ્લામાં ૫૦૦ કારખાનાને તાળા
હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર : સુરતમાં સૌથી વધારે હીરાના વેપાર થાય છે : તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે : કેટલીક જગ્યાએ કારખાના ૧૨ કલાકની જગ્યાએ ૬ કલાક ચાલે છે : પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે

અમદાવાદ, તા.૧૯: ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીની ચુંગાલમાં ફસાયો છે. મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાંને તાળા લાગી ગયા છે. હીરાના ૫૦૦ કારખાનાંને તાળાં લાગ્યા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે. ૪૭ હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે. કેટલીક જગ્યાએ કારખાના ૧૨ કલાકની જગ્યાએ ૬ કલાક ચાલે છે. પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે. આમ, હીરા ઉદ્યોગમાં ૫૦ વર્ષ બાદની સૌથી મોટી મંદી આવી છે.
ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગનું મોટુ ટર્નઓવર છે. સુરતમાં સૌથી વધારે હીરાના વેપાર થાય છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં અનેક કારખાના છે. અમરેલી જિલ્લામાં એક સમયે ૧૨૦૦ કારખાના હતાં. મંદીના માર વચ્ચે હવે ૯૦૦ કારખાના રહ્યાં છે, જેમાં ૫૦ હજાર જેટલા કારીગરો કામ કરે છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો મંડરાયા છે. મંદીને કારણે ૫૦૦ જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે.
દિવાળી પહેલા કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને છેલ્લા ઘણા સમયથી લાભ પાંચમ બાદ પણ કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતું દિવાળી બાદ પણ સ્થિતિ બદલાઈ નથી. પરિણામે રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
દિવાળીના તહેવાર બાદ લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તુલાકના ૫૦૦ જેટલા નાના મોટા હીરાના કારખાનાના ધંધા પર મોટી અસર પડી છે. અહીં ખેતી બાદ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. હાલ રત્ન કલાકારોની રોજગારી પર સવાલ ઉભો થયો છે. જિલ્લાના ૪૭૦૦૦ કારીગરો કેવી રીતે આવક મેળવશે તે મોટો સવાલ છે. આ કારણે યુવકો પણ ખેતીના માર્ગે વળી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હીરાના કારખાના છે. અમરેલી જિલ્લામાં પહેલા ૧૨૦૦ જેટલા હીરાના કારખાનાઓ હતા. તેમાંથી હાલ મંદીના કારણે ૯૦૦ આસપાસ હીરાના કારખાનાઓ છે અને ૫૦૦૦૦ ઉપરાંત રત્ન કલાકારો કામ કરે છે અને રોજી રોટી મેળવે છે.
ડી-બીયર્સ દ્વારા હીરા ઉદ્યોગને જીવંત કરવા ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. રફ હીરાના ભાવમાં ૧૫ ટકા જેટલો ઘટાડો કરાયો છે. હીરા ઉદ્યોગની ભયંકર મંદીમાં આ નિર્ણય આશાનું કિરણ બનીને આવ્યું છે. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગની અસર બાદ સુરત અને મુંબઇના ઉદ્યોગકારોમાં આ જાહેરાતથી રાહતની લાગણી અનુભવાઈ. આ નિર્ણયથી અન્ય માઇનિંગ કંપની અને સપ્લાયરો પર પણ ભાવ ઘટાડાવા દબાણ વધશે. વિશ્વની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને બેઠી કરવા ડી-બિયર્સનું સરાહનીય પગલું છે. તૈયાર હીરાના ભાવો સતત તૂટતાં રફ પણ સસ્તી થાય તેવી માંગ હતી તેવું હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
