<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

પોરબંદરમાં ર૬ વર્ષ પહેલાનાં પોલીસ કસ્‍ટડીમાં માર મારવાના કેસમાં પૂર્વ આઇ.પી.એસ. સંજીવ ભટ્ટ નિર્દોષ

શંકાનો લાભ આપીને પોરબંદર કોર્ટે રાહત આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯: ર૬ વર્ષ પહેલા  પોરબંદરમાં કસ્‍ટડીમાં માર મારવાના કેસમાં પૂર્વ આઇ.પી.એસ. સંજીવ ભટ્ટનો નિર્દોષ છૂટકારો થયો છે.

પોરબંદર જિલ્લામાં ૨૬ વર્ષ પહેલાં ૧૯૯૭ના બનેલા પોલીસ કસ્‍ટડીમાં માર મારવાના બનાવમાં રાજકોટમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને પોરબંદરની કોર્ટે શંકાનો લાભ આપીને દોષમુક્‍ત જાહેર કર્યા છે.

ફરિયાદી નારણ જાદવ પોસ્‍તરીયાએ તા.૫/૭/ ૧૯૯૭માં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદી નારણ જાદવ પોસ્‍તરિયા અને તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્‍ટડીમાં

માર મારી વીજશોક આપ્‍યાની ફરિયાદ કરવામાં આવી હતી. જે કેસમાં ગઈકાલે પોરબંદર એડિશનલ ચીફ જ્‍યુડિશિયલ મૅજિસ્‍ટ્રેટ જજ મુકેશ પંડયાએ શંકાનો લાભ આપી પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદ પક્ષ પાસે આ કેસ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી, ફરિયાદ પક્ષ આ કેસમાં શંકા સિવાય કશું સાબિત કરી શકયું નથી. એડિશનલ ચીફ જ્‍યુડિશિયલ મૅજિસ્‍ટ્રેટ મુકેશ પંડ્‍યાએ શનિવારે સંજીવ ભટ્ટને આઇપીસીની ક્‍લમો

હેઠળ તેમની સામે નોંધાયેલા કેસમાં શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફરિયાદ પક્ષે આરોપ લગાવ્‍યો હતો કે, તેની કબૂલાત મેળવવા માટે તેને જેલમાં ભારે ત્રાસ આપવામાં આવ્‍યો હતો.

નારણ જાદવ નામની વ્‍યક્‍તિની ફરિયાદના આધારે પૂર્વ આઇપીએસ  અધિકારી સંજીવ ભટ્ટ પર આ આરોપ લગાવવામાં આવ્‍યા હતા. જાદવ વર્ષ ૧૯૯૪ના હથિયાર જપ્તીના કેસમાં ૨૨ આરોપીમાંનો એક હતો. પોરબંદર પોલીસની એક ટીમ પાંચમી જુલાઈ ૧૯૯૭ના રોજ અમદાવાદની સાબરમતી સેન્‍ટ્રલ જેલમાંથી ટ્રાન્‍સફર વોરંટ પર જાદવને પોરબંદરમાં

જિલ્લા પોલીસ વડા સંજીવ ભટ્ટના ઘરે લઈ ગઈ હતી. જાદવને તેના શરીરના વિવિધ ભાગો અને પ્રાઇવેટ પાર્ટ પર પણ ઇલેક્‍ટ્રિક શોક આપવામાં આવ્‍યા હતા. પુરાવાના આધારે કોર્ટે ૩૧મી ડિસેમ્‍બર, ૧૯૯૮ના રોજ સંજીવ ભટ્ટ સામે કેસ નોંધવાનું કહ્યું હતું અને સમન્‍સ જારી કર્યું હતું.૧૫ એપ્રિલ, ૨૦૧૩ના રોજ કોર્ટે સંજીવ ભટ્ટ અને અન્‍ય એક કોન્‍સ્‍ટેબલ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્‍યો હતો. જેનો કેસ નવેમ્‍બર ૨૦૨૩માં ચલાવવામાં આવ્‍યો હતો. આ કેસ ઉપર ગુજરાત હાઈ કોર્ટનો સ્‍ટે હતો, ત્‍યારબાદ આ કેસ ૨૦૨૪માં ફરીથી ચલાવવામાં આવ્‍યો હતો, જેમાં સંજીવ ભટ્ટને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે,

સંજીવ ભટ્ટને અગાઉ ૧૯૯૦માં જામજોધપુર કસ્‍ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદ અને વર્ષ ૧૯૯૬માં પાલનપુરમાં રાજસ્‍થાનના વકીલને, ફસાવવાના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

(12:01 PM IST)