તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
ભાગવત કથા સાંભળવા માત્રથી ભગવાનને મેળવવાનો રસ્તો મળેઃ ડો. મહાદેવપ્રસાદ મહેતા
જુનાગઢ ભુતનાથ મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયોઃ સમસ્ત આહીર સમાજ જાદવ કુળની જાન લઈ ભગવાન શ્રી કૃષ્ણને પરણાવવા કથા મંડપમાં આવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૯: ભૂતનાથ મહાદેવ મંદિરે ગૌશાળાના લાભાર્થે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં શનિવારે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણિજીના વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત આહીર સમાજ માલદેભાઈ પાનેરા, પુંજાભાઈ સિસોદીયા, રમેશભાઈ મારૂની આગેવાનીમાં ભગવાન શ્રી કૃષ્ણને વરરાજાના રૂપમાં ઘોડા પર બેસાડી જાદવ કુળની જાન લઈને આવી પહોંચ્યો હતો. કથા સ્થળે ભગવાનને પોખવામા આવ્યા હતા. સ્ટેજ પર વ્યાસપીઠ પાસે લગ્ન મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં ભગવાને રૂક્ષ્મણીજીનુ પાણિગ્રહણ કર્યું હતું. ત્યારબાદ ભગવાને યુગલ સ્વરૂપે વ્યાસપીઠ ફરતે ચાર મંગળફેરા ફર્યા હતા. બાદમાં વરકન્યાને કંસાર જમાડવામાં આવ્યો હતો. સાથે કથાના મહાપ્રસાદમા પણ કંસાર જમાડવામાં આવ્યો હતો.
વ્યાસપીઠ પરથી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે, કથા સાંભળવાથી પણ ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો મળી જાય. ભગવાનના ચરણો પણ પાપીઓના પાપ ખેચી લે છે. લોકશાહીનો પહેલો પાયો ભગવાન શ્રી કૃષ્ણએ મથુરામાં નાખ્યો હતો. પ્રજા જેને પ્રેમ કરે એને રાજ સિંહાસન પર બેસાડયા હતા. ભગવાનની ચરણરજથી પણ કૃપા પ્રાપ્ત થાય છે.
શનિવારે કથા સ્થળે મહા રકતદાન કેમ્પ યોજાયો હતો. બાદમાં કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાની રકતતુલા કરવામાં આવી હતી. શનિવારે કથામાં સમસ્ત ક્ષત્રિય સમાજની ૧૦ પેટા જ્ઞાતિ ગીરાસદાર રાજપૂત, કારડિયા રાજપૂત, કાઠી રાજપૂત, નાળોદા રાજપૂત, હાટી રાજપૂત, ભાટી રાજપૂત, સોરઠીયા રાજપૂત, મહિયા રાજપૂત, ખાટ રાજપૂત, પૂરબિયા રાજપૂત સમાજના આગેવાનોએ કથાકાર મહાદેવપ્રસાદ મહેતાનું અને મહંત મહેશગીરીબાપુનુ સન્માન કર્યું હતું.
શુક્રવારે કથા શ્રવણ માટે મહામંડલેશ્વર હરિહરાનંદભારતી, મોટી હવેલીના પિયુષબાવા, સોનલધામ મઢડાના ગાદિપતિ આઈશ્રી કંચનમા, સાંસદ રાજેશ ચુડાસમા, ભાજપ મહાનગર પ્રમુખ પુનિત શર્મા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
