તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
બેધડક પત્રકારત્વના છ દાયકાની ખુમારીથી ધબકતા ગિરીશભાઇ ત્રિવેદી મોત સામે પણ લડયા

બેધડક પત્રકારત્વની છ દાયકાની ખમીરવંતી અને ઝમીરવંતી સફર ખેડી ગિરીશભાઇ ત્રિવેદીના રવિવારે વૈકુંઠ ગમન સાથે રાજસત્તા સામે સવાલો કરતી એ પેઢીના પત્રકારો પૈકીના વધુ એક પત્રકારે સાંપ્રત પત્રકારત્વમાં પ્રવર્તતા શૂન્યવકાશમાં અણગમતો ઉમેર્યો કર્યો છે.
બેઠીદડીના વામન વ્યક્તિત્વને સૌ પ્રથમવાર મેં ૧૯૬૯માં ભાવનગરમાં યુનિવર્સિટીના આંદોલન દરમિયાન જોયા હતા. ભાવનગરમાં કફર્યુ અને તોફાનો વચ્ચે આ વ્યક્તિ ઘોઘાગેટ પોલીસ ચોકી બહાર પોલીસ અધિકારીઓ સાથે બેઠી હતી. એ વખતે હું જૂના ૧૦માં ધોરણમાં હતો. આવા વાતાવરણ વચ્ચે સિવિલ ડ્રેસમાં પોલીસ સાથે બેસેલી એ વ્યક્તિને જોઇ મને અચરજ થયેલી. મેં જિજ્ઞાસાવળત્તિથી અડધુ શટર પાડેલા અશોક રેસ્ટોરન્ટના માલિક ઇશ્વરભાઇ પારેખને તે માણસ વિષે સવાલ કરેલો કે ‘પોલીસ કર્ફયુમાં અમને ડંડા મારે અને આ ભાઇને કેમ કંઇ કરતા નથી?' ત્યારે તેમણે કહ્યુ કે એ પત્રકાર છે. તેઓનું કામ છાપામાં સમાચાર લખવાનું હોય છે આથી તેમને કફર્યુમાં છૂટ મળે છે. ગિરીશભાઇનો આ પ્રથમ દૂરથી પરિચય. ૧૯૬૭માં પત્રકાર બનવા માટેની સજ્જતા કેળવવા શું જરુરી છે? તેની સમજ મારી શાળાના મોવડી ગુણવંતભાઇ શાહે આપી અને તે મુજબ પત્રકારત્વમાં કારકિર્દી બનાવવા મનોમન નક્કી કર્યુ. આમ એક અર્થમાં ગિરીશભાઇ મારા અદ્રશ્ય પ્રેરણામૂર્તિ રહ્યા. તેઓએ ‘સૌરાષ્ટ્ર સમાચાર'ના ચીફ રિપોર્ટરપદેથી રાજીનામુ આપી. ૧૯૬૭માં રાજાબાબુ અને નિર્મળકેતુ મહેતાના સહયોગથી ‘સમીસાંજ' નામે સૌરાષ્ટ્રનું કદાચ પ્રથમ સાંધ્ય દૈનિક ચાલુ કર્યું હતું. ભાવનગરને યુનિવર્સિટી આપવાની માંગણી માટેના આંદોલન અને નવનિર્માણ આંદોલનના તોફાનોને કારણે સમીસાંજ સાથે જ શરું કરેલા ‘સુપ્રભાત' દૈનિકનો ફેલાવો વધી રહ્યો હતો. સમાચાર માટે કોઈ બાંધછોડ નહી કરવાની બધા સહભાગીઓની ખુમારીના કારણ ઉપરાંત ઉદ્યોગ-ધંધામાં ભાવનગરનાં પછાતપણાના કારણે જાહેરાતોના અભાવમાં આ અખબારો બંધ કરવાની ફરજ પડી. આ અરસામાં કલમ નવેશી પત્રકારોના અભાવના કારણે રાજકોટ, અમદાવાદ,મુંબઇ જેવા મોટા શહેરોમાંથી બહાર પડતા અખબારોનો વ્યાપ વધતા મહત્વના જિલ્લાઓમાં ખબરપત્રીઓની જરુરિયાત ઉભી થતાં પત્રકારીતાને સમર્પિત ગિરીશભાઇએ સંદેશ, ગુજરાત સમાચાર, ઇન્ડિઅન એક્સપ્રેસ,ટાઇમ્સ ઓફ ઇન્ડીઆ, ફૂલછાબ,જયહિંદ,નૂતન સૌરાષ્ટ્ર, બ્લિટ્ઝ,મુંબઈ સમાચાર, ચેતમછંદર, જનસત્તા અને સાંજ સમાચાર,અકિલા અખબારોના બ્યુરો ચીફ તરીકે વરસો સુધી કામકાજ સંભાળ્યું. પાકતી વયે તેમનું પત્રકારત્વ પુખ્ત થયાની ગવાહીરુપ મુંબઈ સમાચારે તેમને મુંબઈમાં નિવાસી તંત્રીપદે બેસાડ્યા. ચાર વર્ષ સુધી તેમને નિવાસનારુપમાં હોટેલની ફાઇવ સ્ટાર સુવિધાઓ આપવા ઉપરાંત ગુજરાત ની મુંબઈ સમાચાર આવળત્તિ શરુ કરવાની સ્વતંત્ર જવાબદારી સોંપવા સાથે ગુજરાતના સમાચારો માટે તાત્કાલિક ચાર ખાસ પેજ શરુઆત કરવા માટે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ‘સૂર્યરથ' ટાવરમાં એક આખો ફ્લોર ખરીદી ફુલફ્લેજ સ્ટાફ સાથે કાર્યરંભ કરવા મોકલ્યા. આ પૂર્વે તેઓ લોકસત્તા-જનસત્તાના નિવાસી તંત્રીપદે પણ રહ્યા. પાછલા વર્ષોમાં સમભાવ મેટ્રોના તંત્રીપદે રહ્યા. ખાસ કરીને ક્રાઇમ રીપોર્ટીંગ ઉપર તેની પક્કડ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટીવ જર્નાલિઝમ તેનો ગમતો વિષય રહ્યા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં રાજ્યથી લઈ નાના ગામો સુધી તેમના રિસોર્સીઝ કાબિલે દાદ રહ્યા. જીવનના આખરી પડાવમાં પણ પ્રત્યેક રાજકીય ગતિવિધીની રજેરજની માહિતીથી તેઓ વાકેફ હોય જ. ગુજરાતના મુખ્યપ્રધાનપદે બિરાજમાન થયેલા બળવંતરાય મહેતાના અંગત સચિવપદે રહ્યા. ગિરીશભાઇ માટે એવું કહેવાતું કે તેઓ બળવંતરાય મહેતાના માનસપુત્ર હતા. બળવંત મહેતાના વતનના ભાવનગર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગતિવિધીઓથી વાકેફ રહી શકાય તે હેતુથી ગિરીશભાઇને જિલ્લા માહિતી અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા.
વિધાતાની ગતિ કેવી ન્યારી છે તેની મારી અંગત વાત કરું તો હું કોલેજના અભ્યાસના સાથે પત્રકારત્વમાં આગળ વધવા માટે એક ડગ માંડવાના હેતુથી ‘સમી સાંજ ‘માં પત્રકારની નોકરી માટે ગિરીશભાઇને મળવા ગયો. મારી ઇચ્છા વ્યક્ત કરી એ સાથે વધુ વાત કરું તે પહેલા જ તેમણે સ્પષ્ટ કહી દીધું. ‘આ તારું કામ નહી' . પરંતુ નાસીપાસ થયા વિના મેં ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા બન્ને ભાષાના અખબારો વાંચવા ઉપરાંત મનમાં આવે તેવા વિષયો ઉપર લખવાનું ચાલુ કર્યું. ‘સૌરાષ્ટ્ર સમાચાર ‘માં ફ્રન્ટ પેજ સબ એડિટર તરીકે રશ્મીભાઇ દેસાઇ અને જીતુભાઇ દવેનું તો લોકલ પેજ માટે રમેશભાઇ ઓઝાનું માર્ગદર્શન મળ્યું. અનુભવના આ ઓઠીંગણે મને માહિતી ખાતાનો ઉબરો ચડાવ્યો. ગિરીશભાઇ પત્રકારના નાતે માહિતી કચેરીમાં આવતા થયા. મારા ઉપરનો તેમનો ભરોસો એ હદ સુધી પહોંચ્યો કે તેઓ કોઈ કોઈ વખત અખબારોને તાર કરવાની ઓથોરિટી પણ મને આપે અને એ ફક્ત વિગત ફોનમાં કહી દે કે આ સમાચાર બનાવી તાર કરી દેજે. તો ઘણીવાર રણજી ટ્રોફી મેચ કે એવા કોઇ ખાસ પ્રસંગનું કવરેજ કરવાનું પણ સોંપી દે. જેમને મારા પર ભરોસો જ ન હતો તે કેટલી હદે વધી ગયો તેને કોઈ ઋણાનુંબંધ ગણું કે વિધીની વક્રતા આજ સુધી નક્કી કરી શકયો નથી. ગિરીશભાઇની દીકરી દીપલ પિતાના પગલે ચાલીને બાપ કરતા સવાયી બનીને એક બેધડક પત્રકાર તરીકે વિખ્યાતી પામી છે. વિવિધ અંગ્રેજી અખબારોમાં ટોપ પોઝીશન ઉપર રહીને અનેક Exclusive ઓલ ઇન્ડીઆ એડીશનમાં સ્ટોરી બ્રેક કરી છે. આજે ત્રણ ભાષામાં તેણે શરુ કરેલ વાઇબ્સ ઓફ ઇન્ડીઆ ન્યુઝ પોડકાસ્ટ તેની વ્યુઅરશિપનો આંક એક લાખને વટાવી ગઈ છે. છેલ્લા દશેક વરસથી તેમની અમેરિકા સ્થિત મોટી દીકરી નેહલ કે સૌથી નાની યુ.કે.સ્થિત રાજલને ત્યાં વારાફરતી આવ જા કરતાં ગિરીશભાઇ સતત સંપર્કમાં રહ્યા.ચારેક મહિના પહેલાણજ અમદાવાદ આવ્યા હતા. પપ્પા સાથે ડિનર કરવાનું દીપલનું આમંત્રણ કયારેય પુરું નહી થયાનો ખેદ રહેશે. ગિરીશભાઇ, તમે કહેતા કે ઉંમર વધતા ઉપાધિઓ તો આવવાની આ દીકરીઓ છે એટલે તે ફિકર કરે પછી હું શીદને દુઃખી થાવ? Love you Girishbhai.
આમ તો આ પરિવારની ગળથૂંથીમાં અન્યાય સામે નિર્ભિકપણે બાથ ભિડવાના રસ ઘૂંટાયા છે. ગિરીશભાઇના પિતાશ્રી જજ, ભાઇ રમણિક ત્રિવેદી પણ બેંકરોમાં આર.ડી.ના ટુંકા નામે માનથી સંબોધતા યુનિયન લીડર અને દીપલ પણ એ ઘાટે ઘડાઈ છે. (૪.૩૦)
સ્મરણાંજલિ લેખઃ
યજ્ઞેશ આચાર્ય, ભાવનગર, રજૂઆતઃ વિનોદ ગાલા, ભુજ
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
