<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

ઘટતા ભાવ અને મજુરોની અછતથી ગોળ ઉત્‍પાદકો ચિંતિત

રાબડા બંધ કરવા કે ચાલુ રાખવા તે અંગે ગીર સોમનાથ જિલ્લા શેરડી તથા ગોળ ઉત્‍પાદક ખેડૂત મંડળની પ્રાંચી ખાતે તાકીદ બેઠક મળીઃ ખેડૂતોના હિત માટે હોળી સુધી ચાલુ રાખવા નિર્ણય

કોડીનાર તા.૧૦: ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી પછી એક માસનો સમય વીતી ગયા પછી પણ માંડ માંડ ૧૬૦ થી ૧૬૫ જેટલા ગોળના રાબડા ચાલુ થયા છે. જે ગત વર્ષની સરખામણીએ ૫૦ થી ૬૦ ગોળના રાબડા ઓછા ચાલુ થયા છે.શેરડીની કટાઈ અને પીલાણના મજુરની તેમજ ગોળ બનાવનાર ભૈયાની અછત અને ગોળની સિઝન ચાલુ થયા પછી ગોળના ભાવમાં ૨૦ કિલોએ સરેરાશ રૂપિયા ૧૦૦ નું ગાબડું પડ્‍યું છે જેની ચિંતાને લઈને ગિર સોમનાથ જિલ્લા શેરડી અને ગોળ ઉત્‍પાદક મંડળની એક તાકીદની બેઠક પ્રાચી ખાતે માધવરાયના સાનિધ્‍યમાં મળી હતી.

હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં ગોળના રાબડા સંચાલક દ્વારા ૨૮૦૦ થી રૂપિયા ૩૦૦૦ સુધી શેરડી ખરીદવામાં આવે છે જ્‍યારે દક્ષિણ ગુજરાતમાં રૂપિયા ૨૩૦૦ થી રૂપિયા ૨૫૦૦ સુધીનો ભાવ અપાય છે દક્ષિણ ગુજરાતમાં ૨૨ જેટલી સુગર મિલ પણ ચાલુ છે ગોળના ભાવ ગગડી જતા ગીર સોમનાથ જિલ્લા ગોળ ઉત્‍પાદકો ચિંતામાં મુકાઈ ગયેલા અને દસ દિવસ સુધી રાબડા બંધ કરવા વિચારણા કરી હતી પરંતુ ચાલુ વર્ષે દિવાળી સુધી વરસાદના કારણે પંદર દિવસ ગોળના રાબડા ની સીઝન મોડી ચાલુ થઈ હતી અને પછી ૧૦ દિવસ પીલાણ બંધ કરે તો હોળી પછી પણ રાબડા ચાલુ રાખવા પડે તેવી પરિસ્‍થિતિ ઉભી થાય ગોળ બનાવનાર મજુર મધ્‍યપ્રદેશના વતની હોય અને હોળી પહેલા તેમના વતનમાં જતા રહેતા હોય અને જો અત્‍યારે રાબડા બંધ રાખીએ તો ખેડૂતો ની મોટાભાગ ની શેરડી બાકી રહી જાય તે માટે શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાબડા ચાલુ રાખવા આ બેઠકમાં નિર્ણય કરાયો છે

(12:15 PM IST)