News of Tuesday, 10th December 2024
પોરબંદરમાં ચોમાસામાં પુરનું જોખમ નિવારવા અમદાવાદની સર્વે એજન્સી માસ્ટર પ્લાન બનાવશે
દર ચોમાસામાં શહેરમાં પાણી ભરાવવાથી ફલ્ડ જેવી સ્થિતિ સર્જાઇ છેઃ દેશી રજવાડા સમયની પાણી નિકાલ માટેની સાંઢિયા ગટરમાંથી પાણીનો પુરતો નિકાલ થતો નથીઃ કેટલીક જગ્યાએ ગેરકાયદે દબાણોથી પાણી નિકાલમાં રૂકાવટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦: શહેરમાં દર ચોમાસામાં વરસાદના પાણીનો પુરતો નિકાલ થતો ન હોય ભારે વરસાદ સમયે શહેરમાં 'ફલ્ડ' જેવી સ્થિતિ ઉભી થતી હોય માનવ જીંદગી ઉપર જોખમ વધી જાય છે. ઉપરવાસની નદીઓના છલકાતા પાણી પોરબંદર આવે છે. અને આ પાણી દરીયામાં જાય છે.
શહેરમાં વરસાદના પાણીનો પુરતો નિકાલ થાય તે માટે અમદાવાદની સર્વે એજન્સીને માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી સોંપાઇ રહી છે. આ માસ્ટર પ્લાન બનાવવા માટે સર્વે એજન્સીઓ ૫૦ લાખની ફી ચુકવાશે.
દેશી રજવાડાના સમયના પાણી નિકાલ માટે નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને તે વખતે આ નકશા આધારે સાંઢિયા ગટર બનાવવામાં આવી હતી. આ સાંઢિયા ગટર વરસાદના પાણી નિકાલ માટે સફળ રહી હતી. સમય જતા સાંઢિયા ગટરને પાલિકા દ્વારા સફાઇ કરાવવામાં અને મરામત કરાવવામાં બેદરકારીને લીધે તેમજ સાંઢિયા ગટર નજીક ગેરકાયદે દબાણો થતા વરસાદના પાણીનો નિકાલને બદલે શહેરમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉભો થતો ગયો.
ઉપરાંત ઉપરવાસની નદીઓના પુરતા પાણીથી શહેરમાં માનવ જીંદગી ઉપર જોખમ વધ્યુ હતું. બીજીબાજુ ખીજડી પ્લોટમાં વરસાદના પાણી નિકાલની જગ્યા ઉપર પેશકદમી વધતા પાણી- નિકાલમાં રૂકાવટ આવી ગઇ છે. આ જગ્યા ઉપર બગીચો સાકાર થઇ ગયો છે. ૧૯૮૩માં ફલ્ડ સમયે શહેરમાં પાણી ભરાતા લોકોને રાહત સામગ્રી પહોંચાડવા શહેરમાં હોડી તરાવવી પડી હતી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
