News of Tuesday, 10th December 2024
ગોંડલમાં અકસ્માતમાં ઘવાયેલા અગ્રણી વેપારી તેજસભાઇના મોતથી અરેરાટી
અઢીયા પેટ્રોલપંપના માલીક તેજસભાઇ અઢીયાને રીક્ષાએ હડફેટે લીધા'તા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલનાં કોલેજ ચોકમાં આવેલા અઢીયા પેટ્રોલ પંપવાળા તેજસભાઇ અઢીયાનું અકસ્માતમાં મોત નિપજતા શોક ફેલાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની જુની પેઢી ગણાતી અઢીયા પેટ્રોલ પંપનાં માલીક તેજસભાઇ ગત શુક્રવારનાં સાંજે કાર લઇ પરિવાર સાથે રાજકોટ પ્રસંગમાં જતા હતા. આશાપુરા ચોકડી પાસે પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યુ હોય તેજસભાઇ રોડની સાઈડમાં કાર થોભાવી પોલીસને લાયસન્સ બતાવવાં ગયા હતા. બાદમાં પરત ફરતી વેળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે પુરપાટ વેગે પસાર થઇ રહેલી રીક્ષા ચાલકે હડફેટ લેતા તેજસભાઇ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઇજાઓ સાથે ગોંડલ પ્રાથમીક સારવાર આપી રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યુ થયુ હતુ.
તેજસભાઇ બે ભાઇઓના પરીવારમાં મોટા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યુ હતુ. તેજસભાઇ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેમના અકસ્માતે થયેલા નિધનથી શોક ફેલાયો હતો.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
