News of Wednesday, 11th December 2024
જંત્રીદરમાં અસહ્ય વધારા સામે મોરબી બિલ્ડરોમાં નારાજગીઃ બાંધકામ ઉદ્યોગ મંદીમાં સપડાઈ જવાની ભીતિ
સરકારે હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કર્યા બાદ ફરી પ્રવર્તમાન દરમાં ૨૦૦ થી ૨૦૦૦ ટકાનો તોતિંગ વધારો કરતા જનતા ઉપર બોજ પડવાની રાવઃ મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો.નું કલેકટરને આવેદન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૧૧: મોરબી જિલ્લામાં જંત્રી દરમાં ધરખમ વધારા ઉપરાંત મોટા પ્રમાણમાં તફાવત હોવા મુદ્દે આજે મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં તમામ મોટા બિલ્ડરો જોડાયા હતા.
રજુઆતમાં જણાવાયુ હતું કે રાજયના સર્વાગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહેલ મહત્વનું સેકટર છે જેની સાથે નાની મોટી ઇન્ડસ્ટ્રી નભે છે અને શહેરી વિસ્તારોમાં વધુ સૌથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સાથે નાગરિકોને પાયાની જરૂરિયાત પૈકી સૌથી અગત્યની મકાનની જરૂરિયાત પૂર્ણ કરે છે. આથી જ રીયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે. સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં ૨૦૦% થી ૨૦૦૦% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ૪૦,૦૦૦થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારએ પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાયેલ છે. રાજ્યના મોટા ભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે.
સુચિત જંત્રી માં દર્શાવેલ દરને કારણે નવી શરતની ખેતી જમીનને બિન ખેતી કરતી વખતે ભરવા પાત્ર પ્રીમિયમની રકમમાં આવતા અસહ્ય વધારા ને કારણે બિનખેતી થયેલ ખંડની કિમંતમાં તેમજ ભરવાપાત્ર સ્ટેમ્પ ડયુટીમાં મોટો વધારો થવાથી સામાન્ય પ્રજા માટે બીનખેતી પ્લોટની ખરીદી તેમજ બિલ્ડર્સ માટે તૈયાર કરવામાં આવતા એપાર્ટમેન્ટ કે ટેનામેન્ટની કિંમતમાં પોસાય નહિ તેવો અસહ્ય વધારો આવશે.
સુચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે નવા પ્લાન પાસ કરતી વખતે ભરવા પાત્ર પેઇડ જીએસટીની રકમમાં મોટો વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે. સુચિત જંત્રીમાં દર્શાવેલ દરને કારણે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટીની રકમ માં તેમજ જીએસટીની રકમમાં પણ ખૂબ વધારો આવશે અને તેનો માર પણ સામાન્ય પ્રજા ઉપર પડશે.
૨૦૧૫ના વર્ષ પહેલા જે ખેતી જમીન નો દસ્તાવેજ ખાતેદાર ખેડૂત દ્વારા કરવામાં આવેલ હોય પરંતુ કોઈપણ કારણોસર આવા ખેડૂતનું ખાતેદાર ખેડૂત નું પ્રમાણપત્ર ન મળી શકે હોય તેવા સંજોગો માં પ્રવર્તમાન જંત્રી ના ૧૦ ટકા લેખે પ્રીમીયમ લઇ ને જમીન બિનખેતી કરી આપવામાં આવે છે. જંત્રી ના દરમાં વધારો થવાથી આ પ્રીમીયમ ની રકમ માં અસહ્ય વધારો થશે અને તેનું ભારણ પણ સામાન્ય પ્રજા પર આવશે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
