<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

પહેલીવાર ‘ઠાર' વર્તાયોઃ નલીયા પ, ગીરનાર ૫.૧, રાજકોટ ૯.૭ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યોઃ જુનાગઢ ૧૦.૧, ડીસા ૧૦.૬, ભુજ ૧૧, અમરેલીમાં ૧૧.૮ ડિગ્રી ઠંડી

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા છે. આજે મોસમમાં પ્રથમ વખત ઠાર વર્તાતા લોકોને કડકડતી ઠંડીનો અનભુવ થયો છે. આજે કચ્‍છના નલીયામાં પ ડીગ્રી, ગિરનાર પર્વત ઉપર ૫.૧, રાજકોટમાં ૯.૭, જુનાગઢ ૧૦.૧, ડીસા ૧૦.૬, ભુજ ૧૧, અમરેલી ૧૧.૮, વડોદરા ૧૨, ભાવનગર ૧૩.૮, જામનગરમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ચાર દિવસથી ઠંડી શરૂ થયા બાદ પહેલી વખત ‘‘ઠાર''ની વધુ અસર વર્તાતા લોકોએ ગરમ વષાો અને તાપણાનો સહારો લીધો હતો.

ઉત્તર ભારતના પહાડી વિસ્‍તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેની સીધી અસર ગુજરાત ઉપર વર્તાઈ રહી છે. અત્‍યારે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્‍યમાં સરેરાશ તાપમાન ૧૫ ડિગ્રીની નીચે ઉતરી ગયું છે. જ્‍યારે કેટલાક વિસ્‍તારોમાં તો ૧૦ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. રાજ્‍યમાં છેલ્લા ચોવીસ ક્‍લાક દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં ૧થી લઈ ૬ ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે. અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.

હવામાન નિષ્‍ણાત અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડશે. આ સાથે જૂનાગઢ સહિત અન્‍ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે તથા લઘુતમ તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આ ઉપરાંત ડિસેમ્‍બર માસના અંતમાં એટલે કે ૨૩ ડિસેમ્‍બર બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્‍ડ શરૂ થશે, જે જાન્‍યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત્‌ રહેશે, એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્‍યૂ યરની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે.

જુનાગઢ

જુનાગઢ સહીત સોરઠમાં આજે સતત બીજા દિવસે પણ તીવ્ર ઠંડીનો મોજુ યથાવત રહેતા જનજીવનને અસર થઈ છે. ગિરનાર પર ૫.૧ ડિગ્રી ઠંડીની સાથે ઠંડો પવન પણ ફૂકાતા કાશ્‍મીર જેવું વાતાવરણ છવાઈ ગયું છે.

કાતિલ ઠંડીનો દોર જારી રહેતા જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સવારે લઘુતમ તાપમાન ૫.૧ ડિગ્રી અને ભવનાથ તળેટી વિસ્‍તારમાં ૮.૧ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે હાડ થીજાવતી ઠંડી અનુભવાય હતી. ઠંડો પવન પણ યથાવત રહેતા ગિરનાર પર્વતીય વિસ્‍તાર ટાઢોબોળ થઈ ગયો છે.

જુનાગઢ શહેરમાં ગઈકાલની સરખામણીએ આજે સવારે તાપમાનનો પારો સહેજ નીચે સરકીને ૧૦.૧ ડીગ્રીએ સ્‍થિર થયો હતો. કાતિલ ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯% રહેતા ઠંડી વધુ આક્રમક બની હતી.

બીજી તરફ સવારથી ૫.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકોના રોજિંદા કામકાજ ઉપર અસર થઈ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ટાઢુંબોર બની ગયું હતું. સુસવાટા મારતા કાતિલ પવનને કારણે લોકો ઠુઠવાયા હતા.

ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૨૫.૨ ડીગ્રી નોંધાયું હતું. જયારે લઘુતમ તાપમાન ૧૪.૭ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ડિગ્રી ૪૮% રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૨, મહતમ તાપમાન ૨૫.૫, ભેજનું પ્રમાણ ૫૪%, પવનની ગતી ૮.૧ કિ.મી રહી હતી.(૨.૧૫)

કયાં કેટલી ઠંડી

શહેર  લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત પ.૦ ડિગ્રી

અમદાવાદ    ૧૩.૪ ડિગ્રી

અમરેલી      ૧૧.૮ ડિગ્રી

બરોડા        ૧ર.૦ ડિગ્રી

ભાવનગર     ૧૩.૮ ડિગ્રી

ભુજ           ૧૧.૦ ડિગ્રી

દમણ        ૧૭.૦ ડિગ્રી

ડીસા          ૧૦.૬ ડિગ્રી

દીવ          ૧પ.૦ ડિગ્રી

દ્વારકા        ૧પ.૦ ડિગ્રી

કંડલા         ૧૪.૯ ડિગ્રી

નલિયા        પ.૦ ડિગ્રી

ઓખા         ર૦.૮ ડિગ્રી

પોરબંદર      ૧૩.૮ ડિગ્રી

રાજકોટ        ૯.૭ ડિગ્રી

સુરત         ૧પ.૮ ડિગ્રી

વેરાવળ      ૧૬.૯ ડિગ્રી

જામનગર       ૧૪.૧ ડિગ્રી

જુનાગઢ         ૧૦.૧ ડિગ્રી

 

(11:17 AM IST)