<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ધોરાજીઃ મંત્રેલી જલેબી ખવડાવી સગીરા ઉપર વારંવાર દુષ્‍કર્મ ગુજારવા અંગે આરોપી કમલેશ ઉર્ફે લાલાને ર૦ વર્ષની સજા

આરોપીએ સગીરા સાથે જુદી જુદી જગ્‍યાએ દુષ્‍કર્મ આચરવા અંગે ફરિયાદ થયેલ હતી

ધોરાજી, તા. ૧૧: ધોરાજીના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી અલી હુસેન મોહીબુલ્લા શેખ ભોગ બનનાર ની ફરિયાદ ઉપરથી નોંધાયેલ ચાર્જશીટના આધારે આરોપી કમલેશ ઉર્ફે લાલો ઝીણાભાઈ ફુલ માળી મૂળ રહેવાસી વડોદરા વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ વિગેરે તથા પોકસો એક્‍ટ ની કલમ ૪, ૬ મુજબ તકસીરવાન ઠરાવી અને રૂપિયા ૧૦,૦૦૦ દંડ તથા ૨૦ વર્ષની કેદનો હુકમ ફરમાવેલ છે.

બનાવની વિગત એવી છે કે પાટણવાવ પોલીસ સ્‍ટેશનના તત્‍કાલીન પીએસઆઇ શ્રી કે એમ ચાવડા રૂબરૂ ભોગ બનનારના પરિવારના મુરબબી આવી અને તેની ભોગ બનનાર નું અપહરણ થઈ ગયા ની ફરિયાદ લખાવેલી હતી. આ ખેત મજૂર જેવા ફરિયાદીની ફરિયાદ ઉપરથી તાત્‍કાલિક ગુનો નોંધી અને પીએસઆઇ કે એમ ચાવડાએ આગળની તપાસ ધોરાજી સીપીઆઇ એલઆર ગોહિલને સોંપેલી હતી. એલ આર એ થોડા સમયમાં ભોગ બનનાર નો પતો મેળવી અને પોરબંદર જિલ્લામાંથી ભોગ બનનાર અને આરોપીનો કબજો મેળવેલો હતો, ભોગ બનનારે વિતક કથામાં જણાવેલ હતી કે કમલેશ માતાજીની સેવાચાકરી કરતો હતો અને ભોગ બનનારને મંત્રેલી જલેબી ખવડાવી દીધેલી હતી પછી ભોગ બનનારને કોઈ સુદબુધ્‍ધ રહેતી ન હતી અને બનાવના દિવસે એટલે કે તારીખ ૬-૧૨-૨૦૨૩ ના રાત્રે ભોગ બનનાર કુદરતી ક્રમે જવા માટે ઉઠેલા ત્‍યારે કમલેશ તેને ઢસડી અને લઈ ગયેલો હતો અને પછી જુદી જુદી જગ્‍યાએ રાખેલા હતા ત્‍યાં ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્‍કર્મમાં આચરેલું હતું. ભોગ બનનારને પોરબંદર જિલ્લાના ખેડૂતની વાડીએ પણ રાખેલા હતા, તપાસ કરનાર અધિકારી શ્રી ગોહિલ એ આ જગ્‍યાની પણ મુલાકાત લીધેલી અને શરમણ ભાઈ સુખાભાઈ ઓડેદરા એ પોલીસ રૂબરૂ હકીકત જણાવેલી હતી કે ભોગ બનનાર અને આરોપી તેમની વાડીએ ઓરડીમાં રહેતા હતા અને આ હકીકતને ધોરાજી સેશન્‍સ કોર્ટમાં પણ સમર્થન આપેલ હતું.

 સરકાર પક્ષે એડિશનલ પબ્‍લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખે દલીલ કરેલી હતી કે, હાલનો ગુનો પોકશો એક્‍ટ હેઠળ નોંધાયેલો છે અને આ કાયદામાં વિશેષ રીતે ફરિયાદ પક્ષે કેસ પુરવાર કરવાનો નથી હોતો કલમ ૨૯ મુજબ આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે વિશેષમાં ભોગ બનનારના માતા-પિતા અભણ ખેત મજૂર છે તેઓને સહી કરતા પણ આવડતી નથી એટલે તારીખોનો ગૂંચવાડો તેમને યાદ ન રહે તેનાથી ભોગ બનનાર ની ઉંમર પુરવાર થઈ નથી તેવું માનવા ને કોઈ કારણ નથી ભોગ બનનાર ની ઉંમર કાયદેસરની પ્રક્રિયાના અંતે નોંધાયેલી છે અને તે જોતા બનાવ સમયે ભોગ બનનાર માત્ર ૧૪ વર્ષ પૂર્ણ કરેલી છે. કાયદામાં પણ ૧૬ વર્ષથી નાની વયની ભોગ બનનાર હોય ત્‍યારે વિશેષ જવાબદારી ચાઈલડ વેલ્‍ફેર કમિટી અને સરકાર પક્ષે હોય છે, મેડિકલ એવિડન્‍સ નું સમર્થન છે કે ભોગ બનનાર સાથે શરીર સંભોગ થયેલો છે આ તમામ સંજોગોને ધ્‍યાને લેવામાં આવે અને પોલીસ રૂબરૂ ના નિવેદન અને તટસ્‍થ તપાસને ધ્‍યાને લેવા આવે તો આરોપી પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયા છે અને ફરિયાદ પક્ષે શંકારહિત કેસ પુરવાર કરેલો છે. અને આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ.

બંને પક્ષોની દલીલ સાંભળી ધોરાજીના એડીશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખ આરોપી કમલેશ ઉર્ફે લાલો ઝીણાભાઈ ફુલ માળી ને તકસીરવાન ઠરાવી અને ૨૦ વર્ષની સજા તથા ૧૦,૦૦૦ રૂપિયા દંડ ફટકારેલ છે. આ કામે સરકાર પક્ષે એ.પી.પી. કાર્તિકેય પારેખ રોકાયા હતા.

(11:48 AM IST)