તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
પોરબંદરના દરિયામાં પ્રદુષિત પાણી છોડવા સામે ખારવા સમાજનો નવતર વિરોધઃ આવતીકાલે ઝેરી પાણીની અંતિમયાત્રા
ખારવા સમાજ અર્ધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને ઝેરી પાણીની અંતિમયાત્રામાં જોડાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪: જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે ખારવા સમાજે નવતર વિરોધમાં આવતી કાલે ખારવા પંચાયત મંદિર-મઢીથી સવારે ૧૦ વાગ્યે ઝેરી પાણીની અંતિમયાત્રાનું આયોજન કર્યુ છે. દરિયામાં પ્રદુષિત પાણી છોડવાથી મત્સ્ય ઉત્પાદન ઉપર અસર થાય છે. જેના કારણે માછીમારોની રોજગારી ઉપર અસર થતી હોય દરિયામાં ઝેરી પાણી છોડવા સામે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.
દરિયામાં પ્રદુષિત પાણી છોડવાના વિરોધમાં આવતીકાલે સવારે ઝેરી પાણીની અંતિમયાત્રા સાથે ખારવા સમાજના લોકો અર્ધો દિવસ બંધ પાળશે.
દરિયામાં પ્રદુષિત પાણી છોડવાના વિરોધમાં ખારવા સમાજના લોકો આવતી કાલે અર્ધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને ઝેરી પાણીની અંતિમ યાત્રામાં જોડાશે.
ખારવા સમાજના પ્રમુખ પવનભાઇ શિયાળે જણાવેલ કે આવતી કાલે તા. ૧પ રવિવારના રોજ ખારવા સમાજ તથા ‘સેવ પોરબંદર સી' દ્વારા જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. જેમા પોરબંદરની અન્ય સમાજો તથા સંસ્થાઓને જોડાવાનું આહવાન કરવામાં આવ્યુ છે. ખારવા સમાજની રોજગારી તથા પોરબંદર શહેરની રોજગારી ઉપર આવી પડેલ મુસીબતમાં અન્ય સમાજો અને સંસ્થાઓ અને પોરબંદર વાસીઓના તમામ નાગરીકોએ તેમજ સમગ્ર ખારવા સમાજના લોકોએ પોતાના સ્કુટર તથા વાહનો લઇને પંચાયત મંદિર મઢીએ સવારે ૧૦ વાગ્યે હાજરી આપવી. નરસંગ ટેકરી સુધી જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા નીકળશે.
આવતી કાલે ખારવા સમાજના લોકોએ પોતાના કામ-ધંધા બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રાખવાના રહેશે અને શકય હોય તો કાળા કપડા પહેરીને આવવા ખારવા સમાજના પ્રમુખ/વાણોટશ્રી પવનભાઇ જીવાભાઇ શિયાળ, ઉપપ્રમુખશ્રી તેમજ પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત ખારવા જ્ઞાતિની યાદીમાં જણાવાયું છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
