<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મોરબી જિલ્લા પંચાયત દ્વારા લોકાર્પણ સમારોહમાં ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરાતા ભડકો થવાના એંધાણ

નિમંત્રણમાં તમામ ચેરમેનમાં નામ લખાયા, માત્ર સિંચાઈ ચેરમેનનું નામ ન લખાતા જૂથવાદ વકરવાની શકયતા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૪ : મોરબી જિલ્લાના રાજકારણમાં ચાલતો જૂથવાદ ફરી સક્રિય થયો હોય તેમ જિલ્લા પંચાયતના લોકાર્પણ- ખાતમુહૂર્તમાં એક ચેરમેનની બાદબાકી કરી દેવામાં આવી છે. જેનાથી આ ચેરમેનનું જૂથ નારાજ થયું હોય ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

મોરબી જિલ્લા પંચાયત દ્વારા  માળિયા વનાળિયામાં નવી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ક્રિષ્‍ના સિરામિક ખાતે યોજાયેલ. આ સમારોહમાં રૂ.૪.૧૮ કરોડના ખર્ચે ૬૬ કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવનાર હતુ . આ કાર્યક્રમ માટે જિલ્લા પંચાયત દ્વારા ઇ-નિમંત્રણ પત્રિકા પણ તૈયાર કરવામાં આવી હતી .

 આ ઇ-નિમંત્રણ પત્રિકામાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્‍ય કાંતિલાલ અમળતિયા, ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા, કારોબારી અધ્‍યક્ષ પ્રવીણભાઈ સોનગ્રા, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન મેરાભાઇ વિઠ્ઠલાપરા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્‍યક્ષ લીલાબેન પરમાર, શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ ચંદ્રિકાબેન કડીવારના નામનો ઉલ્લેખ કરાયો છે. જ્‍યારે સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાના નામની બાદબાકી કરી દેવામાં આવી છે.

 એક ચર્ચા મુજબ ધારાસભ્‍ય કાંતિલાલ અને ચેરમેન અજય લોરીયા વચ્‍ચે કોલ્‍ડવોર ચાલી રહ્યો છે. તેવામાં જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં ચેરમેનની જ બાદબાકી થઈ જતા અજય લોરીયા જૂથ નારાજ થયું હોવાના એંધાણ મળી રહ્યા છે. વધુમાં આ વિવાદ આજથીજ વધુ વકરે તેવા પણ એંધાણ વર્તાય રહ્યા છે.

(12:06 PM IST)