<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

શ્રી શંકરાચાર્ય ગુરુકુળ, દ્વારકા ખાતે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની પરમ અધ્યક્ષતામાં સંસ્કૃત શાસ્ત્રોની જાળવણીની આગવી પરંપરા સમાન 33મી રાજ્ય સ્તરીય સ્પર્ધાનું ભવ્ય આયોજન

ઉદ્ઘાટન સમારંભમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, રાજ્યના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક

( વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૪ : પ્રત્યેક વર્ષે વેદો અને શાસ્ત્રોની જાળવણી થાય અને સંસ્કૃત શાસ્ત્રો પ્રત્યે વિદ્યાર્થીઓ ઉંડાણપૂર્વક રસ લેતા થાય એ માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીની પરમ અધ્યક્ષતામાં તારીખ16-19 ડીસેમ્બર 2024 દરમ્યાન 33 મી રાજ્ય સ્તરીય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગરના અનુદાનથી, શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ અમદાવાદ આયોજિત શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય-દ્વારકાના યજમાન પદે 33 મી રાજ્યસ્તરીય સ્પર્ધાનું ભવ્ય આયોજન દ્વારકા ખાતે કરવામાં આવેલ છે. 

આ રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં વિભિન્ન શાસ્ત્રોના વિષયોની (સંભાષણ, શલાકા, કંઠપાઠ વગેરે) 36 જેટલી સ્પર્ધાઓ યોજાશે. ગુજરાતની સંસ્કૃત મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા 650થી વધુ ઋષિકુમારો આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં દ્વારકા ખાતે પધારશે. આ સ્પર્ધાઓ માટે 130થી વધુ માર્ગદર્શકો, વિવિધ વિષયોના નિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો અને પ્રધાનાચાર્યશ્રીઓ ખાસ હાજર રહેશે. 

આ સ્પર્ધામાં ઋષિકુમારો સંપૂર્ણ ગ્રંથ પર અધ્યયન કરી નિરિક્ષકો સામે પ્રસ્તુત થતા હોય છે અને નિરીક્ષકો દ્વારા ગ્રંથના કોઈપણ પેજ ખોલવામાં આવે અને તે પાના પરનો શબ્દ બોલે અને ત્યાંથી ઋષિકુમાર મંત્રનો ઉચ્ચારણ કરવાનું શરૂ કરે અને નિરીક્ષક ‘ઓમ્’ ના કહે ત્યાં સુધી મંત્રોચ્ચારણ કરતા રહે છે. બીજા તેમજ ત્રીજા તબક્કામાં આ વિષયો પર ગહન ચર્ચાઓ તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. આ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિત્વ રૂપે ભાગ લેવાનો રહેશે. આ સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધામાં પ્રતિવર્ષ નિયમ પ્રમાણે પ્રાપ્ત થયેલા મેડલ અનુસાર જે પાઠશાળાના સૌથી વધુ અંક થાય તેને વિજય વૈજયંતી ટ્રોફી પ્રદાન કરવામાં આવે છે. 

આ રાજ્ય સ્તરીય સ્પર્ધાને કારણે આપણી દેવ ભાષા સંસ્કૃત ભાષા તેમજ આપની સંસ્કૃતિ જન-જન સુધી પહોંચે છે. સંસ્કૃત પાઠશાળામાં ગુરુ-શિષ્ય પરંપરાથી ઋષિકુમારોને ગૂરૂકુલ પરંપરા મુજબ વિદ્યા આપવામાં આવે છે. ગુરૂકુલ પરંપરા પ્રમાણે અભ્યાસ કરતા ઋષિકુમારો આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. વેદ, પુરાણોની જાણકારી લોકો સુધી પહોંચે અને અને આપણી સંસ્કૃતિની ધરોહર લુપ્ત ન થાય તે આશયથી રાજ્ય સરકારના સહયોગથી દર વર્ષે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. 

તા.૧૬ના રોજ આ શાસ્ત્રીય સ્પર્ધાના ઉદ્ઘાટન સત્ર યોજાશે અને 19 તારીખે સમાપન થશે. જેમાં દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્યપાદ સ્વામીશ્રી સદાનંદસરસ્વતીજી, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, રાજ્યના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, પી.આર. રાણા, કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી ગાંધીનગર, જી.ટી.પંડયા કલેકટરશ્રી, દેવભૂમિ દ્વારકા, વિશિષ્ટ મનોરથી પિનાકીનભાઈ જાની, તેમજ યતીન ચૌધરી, સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી(૧૦+૨), નાયબ નિયામક કે.એફ.વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર.જાડેજા, સંસ્કૃત પાઠશાળા નિરીક્ષક વી.એમ.તેરૈયા તેમજ સંસ્કૃત પાઠશાળા અધ્યાપક મંડળના હોદ્દેદારો શ્રી ઉપસ્થિત રહેશે.  

અધ્યાપક મંડળના પ્રમુખ - ડૉ.મનોજગીરીજી, મંત્રી-ડૉ.રઘુભાઈ જોષી, સંયોજકશ્રી ડૉ. અમૃતલાલ ભોગાયતા અને શ્રી ગોવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરી રહ્યા છે. 

દ્વારકા ગામના ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં અદ્વિતીય ઋષિ પરંપરાને ધ્યાને રાખતા ગુરુકુળ શિક્ષણ પદ્ધતિનું પ્રત્યક્ષ ઉદાહરણ દર્શાવતી સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરતી આ સ્પર્ધાઓ ભગવાન દ્વારકાધીશજીની અહૈતુકી કૃપાથી યોજાશે તેમ ડૉ. કુલદીપ પુરોહિત-પ્રધાનાચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

 

 

16 -19 ડિસેમ્બર દરમ્યાન રાજ્યસ્તરીય સ્પર્ધામાં યોજાનાર સ્પર્ધાઓની યાદી

 

 

શુક્લ-યજુર્વેદ સંહિતા કંઠપાઠ(૧ થી ૧૦ અધ્યાય)

જ્યોતિષ-ભાષણ

વેદાન્ત-શલાકા

અષ્ટાધ્યાયી-કંઠપાઠ

શુક્લ-યજુર્વેદ સંહિતા કંઠપાઠ (સંપૂર્ણ)

જૈન-બૌદ્ધદર્શન-ભાષણ

જ્યોતિષ-શલાકા

ધાતુરૂપ-કંઠપાઠ

વ્યાકરણ-ભાષણ વેદભાષ્ય-ભાષણ

પુરાણેતિહાસ-શલાકા

શ્રીમદ્ભગવદ્ગીતા-કંઠપાઠ

સાહિત્ય-ભાષણ

આયુર્વેદ-ભાષણ

ભારતીયગણિત-શલાકા

સુભાષિત-કંઠપાઠ

ન્યાય-ભાષણ

ભારતીયવિજ્ઞાન-ભાષણ

અર્થશાસ્ત્ર-શલાકા

રામાયણ-કંઠપાઠ

સાંખ્યયોગ-ભાષણ

વ્યાકરણ-શલાકા

કાવ્ય-શલાકા

ઉપનિષદ-કંઠપાઠ

મીમાંસા-ભાષણ

સાહિત્ય-શલાકા

શાસ્ત્રાર્થ-વિચાર

સમસ્યાપૂર્તિ

વેદાન્ત-ભાષણ

ન્યાય-શલાકા

કાવ્ય-કંઠપાઠ

અક્ષરશ્લોકી

ધર્મશાસ્ત્ર-ભાષણ

મીમાંસા-શલાકા

અમરકોશ-કંઠપાઠ

શાસ્ત્રીય સ્ફૂર્તિ-સ્પર્ધા

(2:30 PM IST)