તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 14th December 2024
ભરૂચ પોલીસ કર્મી સાયબર માફિયાઓનો શિકાર:ધૂતારાઓએ પર્સનલ લોન પર રૂ. 7.38 લાખની ટોપઅપ લોન લઇ લીધી
KYC માટે મોકલેલી લિન્કમાં વિગતો ભરતા જ વીડિયો કૉલ આવ્યો, જેમાં બેંકની પાસબુક માંગતા કોન્સ્ટેબલ ફોન કટ કરીને બેંકમાં દોડ્યા

ભરૂચ :પોલીસ જ હવે સાયબર માફિયાઓનો શિકાર બની છે. ભરૂચ જિલ્લા હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સેલેરી એકાઉન્ટમાંથી ભેજાબાજો દ્વારા પર્સનલ લોન પર 7.38 લાખની ટોપ અપ લોન લેવાઈ ગઈ હતી. જે પૈકી 5.99 લાખ રૂપિયા 7 અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.
હકીકતમાં ભરૂચના ઓસારા ગામના પટેલ ફળીયામાં રહેતા અને પોલીસ હેડ કવાટર્સમાં આર્મ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યોગેશ ઠાકોર સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે. તા. 29 નવેમ્બર 2024ના રોજ તેમના મોબાઈલ પર એક કોલ આવ્યો અને સામેની વ્યક્તિએ પોતે એક્સિસ બેંકના કર્મચારી રાહુલ તરીકેની ઓળખ આપી જણાવ્યું હતું કે, અમારી બેંકમાં સેલેરી એકાઉન્ટ હોય અને KYC અપડેટ નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. જે બાદ તેને ફરીથી એક્ટિવ કરાવવા 1600 રૂપિયા ચાર્જ ભરવો પડશે.
આથી યોગેશભાઈ તેની વાતોમાં આવી ગયા હતા અને KYC અપડેટ કરવાની તૈયારી દાખવી હતી. જે બાદ તેમને વૉટ્સએપ પર લિંક મોકલવામાં આવી હતી, જેમાં યોગેશભાઈને આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો માંગવામાં આવી હતી. આ વિગતો આપ્યા બાદ વીડિયો કોલ આવ્યો હતો, જેમાં બેંક પાસબુક અને ઈ-મેઈલ આઈડી પણ માંગવામાં આવ્યો હતો. આથી યોગેશભાઈને શંકા જતાં તેમણે તરત જ ફોન કટ કરી દીધો હતો અને તમામ નંબરોને બ્લેક લિસ્ટમાં નાંખી દીધા હતા.
જે બાદ તરત જ યોગેશભાઈ પોતાના ઘર નજીક આવેલી એક્સિસ બેંકમાં તપાસ માટે પહોંચ્યા હતા. જયા પૂછપરછ કરતાં બેંક દ્વારા કોઈ કોલ કરવામાં ન આવ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી યોગેશબાઈએ બેંક સ્ટેટમેન્ટ જોતા તેમની ચાલી રહેલી પર્સનલ લોન પર બીજી 7.38 લાખ રૂપિયાની ટોપ અપ લોન લેવાઈ ગઈ હોવાની માહિતી મળી હતી.
જો કે ટોપઅપ લોનના જમા થયેલા નાણાં પૈકી સાયબર માફિયાઓ દ્વારા 5.99 લાખ રૂપિયા 7 અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આખરે યોગેશભાઈને પોતે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું ભાન થતાં તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
