<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

ટંકારા નેકનામની સીમમાંથી ૧ાા અને ૩ વર્ષના બાળકોના અપહરણઃ એમપીની મહિલા વાંકાનેર પાસેથી ઝડપાઇ

ગઇકાલે સવારે સાડા દસેક વાગ્‍યે કાંતિભાઇ પટેલની વાડીએથી દાહોદના કેશરભાઇ બારીયાના બે દિકરા ગૂમ થયા હતાં: સીસીટીવી ચેક કરતાં અજાણી મહિલા ઉઠાવી ગયાનું ખુલતાં રાજ્‍યભરની પોલીસને જાણ કરાઇ હતી : બંને બાળકો હેમખેમ મળતાં સોૈએ રાહતનો દમ લીધોઃ ઝડપાયેલી મહિલા પોતાનું નામ જણાવતી નથીઃ બાળકો ગમતાં હતાં એટલે ઉઠાવી લીધાનું રટણઃ આરોપી મહિલા માનસિક અસ્‍વસ્‍થ છે કે પછી ઢોંગ કરે છે?: પોલીસ તપાસનો ધમધમાટ

અપહરણ થયેલા બંને બાળકોને આરોપી મહિલા સાથે શોધી કાઢનાર ટીમના નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડા બાળકને વ્‍હાલ કરતાં દેખાય છે. અન્‍ય તસ્‍વીરમાં અપહરણકાર મહિલા અને કામગીરી કરનાર સમગ્ર ટીમો જોઇ શકાય છે (ફોટોઃ જયેશ ભટાસણા-ટંકારા)

જેના અપહરણ થયા હતાં તે બંને બાળકો અને સીસીટીવીમાં દેખાયેલી અપહરણકાર મહિલા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૭: ટંકારાના નેકનામની સીમમાં આવેલી વાડીમાં રહી મજૂરી કરતાં દાહોદના પરિવારના બે માસુમ પુત્રો ૧ાા અને ૩ વર્ષના ગઇકાલે સવારે વાડીમાંથી રમતાં રમતાં ગૂમ થઇ ગયા હતાં. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં અને સીસીટીવી કેમેરા ચેક કરતાં આ બંને ભાઇઓને એક અજાણી આશરે ૪૦ થી ૫૦ વર્ષની મહિલા અપહરણ કરીને લઇ જતી જોવા મળતાં પોલીસ ચોંકી ગઇ હતી. આ મામલે રાજ્‍યભરની પોલીસને બાળકોના અને અપહરણકાર મહિલાના ફોટા સાથેની વિગતો મોકલી તપાસમાં રહેવા જાણ કરાઇ હતી. પોલીસની ટીમો આરોપી મહિલા અને અપહૃત બંને બાળકોને શોધવા કામે લાગી હતી. દરમિયાન આજે વહેલી સવારે અપહરણકાર મહિલાને વાંકાનેર નજીકથી બંને બાળકો સાથે ઝડપી લેવામાં સફળતાં મળતાં પોલીસે અને પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

 જાણવા મળ્‍યા મુજબ ટકારાના નેકનામ ગામની સીમમાં આવેલી કાંતિભાઇ પટેલની વાડીમાં મુળ દાહોદના ધાનપુર તાબેના વાડસીયા ગામનો કોૈશિક જેઠાભાઇ બારૈયા અને તેના પત્‍નિ અને બાળકો સાથે રહી ખેત મજૂરી કરે છે. ગઇકાલે ૧૬મીએ સવારે સાડા દસક વાગ્‍યે કેશરભાઇ અને તેના પત્‍નિ જોશનાબેન વાડીમાં કામ કરતાં હતાં ત્‍યારે તેના બે પુત્રો વૈભવ (ઉ.વ.૧ાા) તથા હાર્દિક (ઉ.વ.૩) વાડીની ઓરડી પાસે રહતાં હતાં. કેશરભાઇ વાડીએથી રૂમ પર પાણી પીવા આવ્‍યા ત્‍યારે બાળકો લીમડાના ઝાડ નીચે રમતાં હતાં. ફરી તે કામે જતાં રહ્યા હતાં અને અડધા કલાક પછી ફરી પાણી પીવા આવતાં બાળકો જોવા મળ્‍યા નહોતાં.  બને બાળકો ગૂમ થઇ જતાં માતા-પિતા અને વાડી માલિક સહિતે દોડધામ શરૂ કરી હતી. શોધખોળ કરવા છતાં બાળકોનો પત્તો ન મળતાં ટંકારા પોલીસને જાણ કરી હતી.

બબ્‍બે બાળકો ગૂમ થવાના પગલે પોલીસે બનાવને ગંભીરતાથી લઇ તુરત જ સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા આ બાળકોને લઇ જતી જોવા મળતાં પોલીસે કેશરભાઇ જેઠાભાઇ બારીયા (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૧૩૭ (૨) મુજબ તેના બે પુત્રોના અપહરણ કરી જવાનો અજાણી મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે રાજ્‍યભરની પોલીસને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન ટંકારાથી જયેશ ભટાસણાના અહેવાલ મુજબ અપહરણકાર મહિલા અને બંને બાળકોને પોલીસે શોધી કાઢયા છે. બાળકોને અને અપહરણકાર મહિલાને શોધી કાઢયા છે. પોલીસ મહાનિર્દેશક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડાની રાહબરીમાં એલસીબી પીઆઇ એમ. પી. પંડયા, પીએસઆઇ કે. એસ. ભોંચીયા, પીઆઇ એસ. કે. ચારેલ, પીએસઆઇ એમ. જે. ધાધલ, પીઆઇ ડી. વી. ખરાડી, વાંકાનેર તાલુકા પોલીસ, ટંકારા પોલીસની ટીમ, વાંકાનેર સીટી પોલીસની ટીમના હેડકોન્‍સ. મુકેશભાઇ ચાવડા, કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ મનુભા, કોન્‍સ. અજયભાઇ સગરામભાઇ, કોન્‍સ. રમેશભાઇ સોમાભાઇ, મોરબી જીલ્લા એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

એ દરમિયાન અપહરણકાર મહિલા અને તેની સાથે બે અપહૃત બાળકોને આજે વહેલીસ વારે મીતાણા-વાલાસણ-વાંકાનેર વિસ્‍તારમાં ચેકીંગ દરમિયાન શોધી કાઢયા છે. બંને બાળકોને તેના માતા-પિતાને સોંપી આરોપી મહિલાને સકંજાંમાં લઇ પુછતાછ શરૂ કરવામાં આવી છે. જો કે આ મહિલા પોતાનું નામ જણાવતી હતી. પોતાને બાળકો ગમતાં હોવાથી લઇ ગયાનું રટણ કર્યુ હતું. તે મધ્‍યપ્રદેશ તરફથી હોવાનું લાગે છે. પોલીસ તેને નામ પુછે છે તો-મારુ નામ કશું નથી! એવા જવાબો આપે છે. આ મહિલા માનસિક અસ્‍વસ્‍થ હોવાનું નાટક કરે છે કે પછી સાચ્‍ચે તેની માનસિક સ્‍થિતિ બરાબર નથી? તે સહિતની તપાસ યથાવત રાખવામાં આવી છે. અપહૃત બાળકો અને અપહરણકાર મળી જતાં સોૈએ રાહતનો શ્વાસ લીધો હતો.

(3:06 PM IST)