<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે ભાજપની મોટી કાર્યવાહી;અજય લોરિયાને કારણદર્શક નોટિસ આપી

જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય ગણાવી ચેરમેન અજય લોરિયાને કારણદર્શક નોટિસ આપી અને પગલાં કેમ ન લેવા તેના માટેનો 15 દિવસમાં ખુલાસો માંગ્યો

મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરવામાં આવી હતી, જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું.

   ધારાસભ્ય કાંતિલાલે પણ વળતા જવાબો આપ્યા હતા. ભાજપમાં ચાલી રહેલો જૂથવાદ ખૂલીને બહાર આવ્યા બાદ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષને નુકશાન થાય તેવું કૃત્ય ગણાવી ચેરમેન અજય લોરિયાને કારણદર્શક નોટિસ આપી છે. અને પગલાં કેમ ન લેવા તેના માટેનો 15 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.

 જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યું કે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ છે. જેથી ચેરમેનને નોટિસ આપી 15 દિવસમાં લેખિત ખુલાસો કરવાનું જણાવાયું છે. ચેરમેન અજય લોરિયાએ જણાવ્યું કે રાજકીય મામલો નથી. હું પાર્ટીને સદાય વફાદાર જ છું. પાર્ટી વિરુદ્ધ મેં ક્યારેય કામ કર્યું નથી. જે મામલો છે એ પર્સનલ છે. હું ફરજના ભાગરૂપે પાર્ટીને જવાબ આપી દઈશ.

મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં ત્રાજપર, માળિયા – વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ ગામ ખાતે રોડ રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે રૂપિયા 4.18 કરોડના ખર્ચે વિવિધ 66 જેટલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટેના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સિંચાઇ સમિતિના ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી કરી નાખવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.

આ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપ અગ્રણી તથા પાટીદાર નવરાત્રીના આયોજક અજય લોરિયાએ પોતાનું નામ કાઢી નાખવાની ચેષ્ઠા કરનાર બીજું કોઈ નહીં પણ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હોવાનો આડકતરો ઈશારો કરી જણાવ્યું હતું કે, આ એક રાજકીય કિન્નાખોરી છે.

રાજકારણમાં એક બીજાને ન ગમતા હોય તે વાત અલગ છે. હું મારા કામથી ઉજળો છું અને મને મોરબીની પ્રજા સારી રીતે ઓળખે છે, હું છેલ્લા 10થી 12 વર્ષથી રાજકારણમાં છું અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહ્યો ત્યારે તત્કાલીન રાજ્યમંત્રી બ્રિજેશભાઈ સાથે મહેનત કરી મોરબી માટે 300થી 400 જેટલા જોબ નંબર મંજૂર કરાવી વિકાસ કામો કર્યા છે.

(8:34 PM IST)