News of Wednesday, 18th December 2024
જસદણમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી અડપલા કરનારા રોહીતની ધરપકડ
રોહીત સગીરાને ઘેલા સોમનાથ, કાગવડ સહિતના ધાર્મિક સ્થળે લઇ ગયો'તોઃ જસદણ પોલીસે અપહરણ અને પોકસોનો ગુનો નોંધયો

રાજકોટ તા. ૧૮ :.. જસદણમાં રહેતી ૧૪ વર્ષની તરૃણીને તેના ઘર પાસે જ પાનની દુકાન ધરાવના શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તે તરૃણીને કાગવડ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ લઈ ગયો હતો. બીજી તરફ તરૃણીના પિતાએ દીકરી લાપતા થયા અંગે પોલીસને જાણ કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી બંનેને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે તરૃણીને ભગાડી જવા અને અડપલાં કરવા અંગે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ, જસદણમાં રહેતી ૧૪ વર્ષ ૧ માસની સગીરા લાપતા થયા અંગે તેના પિતાએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. દરમિયાન જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી તરૃણી તથા તેને ભગાડી જનાર રોહિત નામના શખસને જસદણ પાસેથી શોધી કાઢ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી રોહિત રમેશભાઈ પીઠવા(ઉ.વ ૨૯) તરૃણીના ઘર પાસે જ પાનનો ગલ્લો ધરાવતો હોય અને તરૃણી અહીં નાની મોટી વસ્તુ લેવા આવતી હોય જેથી બંને વચ્ચે સંપર્ક થયો હતો બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ આરોપી તરૃણી સાથે વાતચીત કરતો હતો. દરમિયાન તેણે તરૃણીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
આરોપી તરૃણીને ભગાડી ગયા બાદ ઘેલા સોમનાથ અને કાગવડ સહિતના સ્થળોએ લઈ ગયો હતો બાદમાં બંને અહીંથી પરત આવતા હતા દરમિયાન પોલીસે તેને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપી સામે તરૃણીને ભગાડી જવા તથા તેની સાથે શારીરિક અડપલાં કરવા અંગે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ જસદણ પોલીસ મથકના પી.આઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
