<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

પોલીસની તૈયારી કરતી રેણુકાને માતા-પિતા સાથે રકઝક થતા ગળાફાંસો ખાઇ આપઘાત

તીરૂપતી બાલાજી પાર્કમાં બનાવઃ ઉનાની યુવતિ રાજકોટ બહેન-બનેવી સાથે રહેતી હતીઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૮ : કોઠારીયા રોડ પર તીરૂપતી બાલાજી પાર્કમાં બહેન-બનેવી સાથે રહેતી યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઉનાની વતની હાલ કોઠારીયા રોડ પર તીરૂપતી  બાલાજી પાર્કમાં શેરી નં. ૧ બ્‍લોક નં. કે. ૩૧ માં રહેતા બહેન અને બનેવી સાથે રહેતી રેણુકા કરશનભાઇ પરમાર  (ઉ.વ.૩૦) એ ગઇકાલે ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહેન-બનેવી નોકરી પર ગયા હોઇ બહેન નોકરીએથી ઘરે આવતા નાની બહેનનો લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી સૌરભભાઇએ તપાસ કરતા યુવતીનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. પ્રશાંતસિંહ તથા રાઇટર કુલદીપસિંહ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક રેણુકાના પિતા ઉનામાં ખેતી કરે છે. તે ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરની હતી. તે પોલીસની તૈયારી માટે છેલ્લા એક વર્ષથી રાજકોટમાં બહેન-બનેવી સાથે રહેતી હતી. ગઇકાલે તેના માતા-પિતા સાથે ફોનમાં તેણીના લગ્ન બાબતે રકઝક થયા બાદ તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી  જાણ મળ્‍યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:51 PM IST)