<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ભાણીના લગ્નમાં પહેરવા પડોશીઓ પાસે ઉછીના ૧૨ લાખના સોનાના દાગીના લઈ પરબારા લોન લઈ પતિ-પત્‍ની છ..ન..ન..

દેવલ નાથાભાઇ મધુડા અને તેના પતિ નાથા મધુડાની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯:  પડોશી ધર્મ નિભાવવો ભારે પડી શકે છે. બદલાતા જતા સમયની અસર દિન પ્રતિદિન વ્‍યક્‍તિઓના વ્‍યવહાર પર પણ પડી રહી છે. કચ્‍છના માંડવી તા.ના મોટા ભાડિયા ગામે એક દંપતીએ પોતાના ગામના ૬ પાડોશીઓ પાસેથી લગ્નમાં પહેરવા માટે સોનાના દાગીના ઉછીના લઈ તેની ઉપર પરબારી લોન લઈ આ દંપતી ગામ છોડી ભાગી છૂટતા તેમની સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. દેવલબેન નાથાભાઈ મધુડા (ગઢવી) અને તેમના પતિ નાથાભાઈ નારાણ મધુડા (ગઢવી) સામે ૧૨.૬૫ લાખના સોનાના લઈ તે પરબારા ગીરવે મૂકી તેના ઉપર લોન લઈ આ દાગીના પરત ન આપી વિશ્વાસઘાત ઠગાઈ કર્યાની ફરિયાદ ચાર પડોશીઓએ નોંધાવી છે. ફરિયાદી લાછબાઈ નાથાભાઈ ગઢવી પાસેથી ૪.૨૫ લાખના સોનાના દાગીના, નાગશ્રીબેન નાગાજણ ગઢવી પાસેથી ૩.૧૫ લાખના સોનાના દાગીના, દેવીબેન નારાણ ગઢવી પાસેથી ૩.૫૦ લાખના, ખીમશ્રીબેન ખેંગાર ગઢવી પાસેથી ૧ લાખના, નાગઈબેન માણેક ગઢવી પાસેથી ૫૦ હજાર અને રોશનબેન અસલમ જુણેજા પાસેથી ૨૫ હજાર એમ ૬ પાડોશીઓ પાસેથી ૧૨.૬૫ લાખના દાગીના ભાણીના લગ્નમાં પહેરવા ઉછીના લીધા હતા. આ દાગીના માંડવી શહેરમાં પરબારા મુથૂટ ફાઇનાન્‍સ, મુથૂટ ફિનકોપ, ધનવર્ષા બેંકમાં ગીરવે મૂકી તેઓ રૂપિયા લઈ ગામ છોડી પલાયન થઈ ગયા છે.

(11:53 AM IST)