News of Thursday, 19th December 2024
ઉપલેટાના હાડફોડી ગામે કરોડો રૂપીયાની ર૦૦ હેકટર ગૌચરની જમીન ઉપર બુલડોઝર ફરી વળ્યું
ઉપલેટા- ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાની રાજય સરકારમાં રજુઆત બાદ ૧૯૮૦ થી થયેલ દબાણ દુર કરવા કામગીરી : એનીમલ હોસ્ટેલ પાસે થયેલ દબાણ દુર કરવા જેસીબી રોટોવેટર સહિતનો કાફલો કાર્યરત : ગૌચરની જમીન ઉપર ખેતીકામ કરતા હતા : ૧ર આસામીઓએ કબ્જો જમાવી દીધો હતો

તસ્વીરમાં ઉપલેટા નજીકના હાડફોડી ગામે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. જે નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૯: ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે ગૌચરની જમીન ઉપર થયેલું દબાણ દુર કરવા આજે સવારથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપલેટા-ધોરાજીના ભાજપના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાએ રાજય સરકારમાં કરેલી રજુઆત ફળી છે.
ઉપલેટા-ધોરાજીના ભાજપના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલીયાએ રાજય સરકારમાં હાડફોડી ગામે ગૌચરની જમીન ઉપર ૧૯૮૦ થી થયેલ દબાણ દુર કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ પણ તપાસ હાથ ધરી હતી અને ગૌચરની જમીન ઉપર દબાણ થયેલ હોવાનું ખુલ્યું હતું.
આજે સવારથી ચીફ ઓફીસર નીલમ ઘેટીયા, મામલતદાર નિખીલ મહેતા, પ્રાંત અધિકારી નાગાજણ તરખલા, પોલીસ કાફલો સહિતની આગેવાનીમાં હાડફોડી ગામે ૧૦ જેસીબી, ૧૦ રોટોવેટર, ટ્રેકટરો સહિતના કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને રેવન્યુ સર્વેમાં થયેલ ૨૦૦ હેકટર જમીન ઉપરનું દબાણ દુર કરવા કામગીરી શરૂ કરાઇ છે.
આ અંગે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવ્યું હતું કે, ૨૦૦ હેકટર જમીન ઉપર ૧૨ જેટલા આસામીઓએ કબ્જો જમાવી દીધો હતો અને ત્યાં ખેતીકામ કરતા હતા. આ દબાણ દુર કરવા માટે કલેકટર તંત્ર દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી અને સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આધાર-પુરાવા રજુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં દબાણ કરનાર આસામીઓ દ્વારા કોઇ નોટીસનો જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી આજે સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ૨૦૦ હેકટર જમીન ઉપર થયેલ દબાણ દુર ન થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે.
ડો. મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવ્યું હતું કે, આ ગૌચરની જમીન ઉપર રાજય સરકારની મંજુરીથી એનીમલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જયાં મોટા પ્રમાણમાં ગૌમાતાઓને રાખવામાં આવેલ છે અને તેમને ઘાસચારો, પાણી સહીતની વસ્તુઓ પુરી પાડવામાં આવે છે. આ ગૌચરની જમીન ઉપર આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવતા એનીમલ હોસ્ટેલમાં અસુવિધા ઉભી થતી હતી. જેથી આ અંગે ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી.
ડો. મહેન્દ્રભાઇ પાડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા આસામીઓએ ખેતીકામ શરૂ કરી દીધું હતું. જે દુર કરવા માટે જેસીબી ફેરવવામાં આવી રહયા છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
