<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

ટેસ્‍ટ ડ્રાઇવમાં કાર લઇ જઇ શો રૂમના કર્મીને છરી બતાવી નાસી ગયેલા ૨ શખ્‍સની ધરપકડ

જુનાગઢ ની ઘટના, ભેસાણ રોડ પરની કોલેજના સિકયુરિટી સાથે પણ ઝઘડો કર્યો હતો

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ તા. ૧૯:  જૂનાગઢ પાસે ટેસ્‍ટ ડ્રાઇવમાં કાર લઇ જઇ શો રૂમના કર્મીને છરી બતાવી નાસી ગયેલા ૨ શખ્‍સની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

જુનાગઢ નજીક ભેસાણ ચોકડી પાસે માર્શલ ટ્રેડિંગ કંપનીના નામથી આવેલ મહિન્‍દ્રાના શો રૂમમાં બુધવારે સવારે ૧૦ વાગ્‍યે જુનાગઢનો મહેશ ખોડભાયાએ આવી રૂપિયા ૧૫ લાખની કિંમતની જીજે ૦૩ એલઆર ૩૨૭૦ નંબરની કાર સેલ્‍સમેન અર્ષિલ સોઢાને બેસાડી ટેસ્‍ટ ડ્રાઈવ માટે રાજકોટ રોડ ઉપર લઈ ગયો હતો અને રસ્‍તામાં બાવનજી નામના શખ્‍સને સાથે લઈ ભેસાણ રોડ ઉપર પુરઝડપે  ચલાવી નોબલ કોલેજ અંદર કાર લઈ જતા સિકયુરિટીએ રોકતા અર્ષિલ સોઢાને છરી બતાવી ધમકી આપી નીચે ઉતારી કાર લઈને જુનાગઢ તરફ નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા સેલ્‍સ મેનેજર આનંદભાઈ મહેશભાઈ ઠાકર વગેરેએ દોલતપરા સુધી પીછો કર્યો હતો પરંતુ ટ્રાફિક ના કારણે બંને શખ્‍સ કાર સાથે નાસી ગયા હતા.

આ ઘટના અંગે સેલ્‍સ મેનેજર આનંદ ઠાકરએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

રૂપિયા ૧૫ લાખની કિંમતની કાર ટેસ્‍ટ ડ્રાઈવનાં બહાને લઈ જઈ શોરૂમના કર્મચારીને ધમકી આપી કાર લઈને ૨ શખ્‍સ નાસી ગયા હોવાની હોવાની ફરિયાદ થતાંની સાથે ઇન્‍ચાર્જ તાલુકા પીઆઇ ડી. કે. સરવૈયાએ ત્‍વરિત તપાસ હાથ ધરી આરોપી જૂનાગઢમાં મધુરમ બાયપાસ પાસે રહેતો મહેશ ઉર્ફે મયલો રાજશી ખોડભાયા અને નાના કાજલીયાળા ગામનો બાવનજી ઉર્ફે ગુગી મોહન બાબરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:59 PM IST)