<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ગુજરાત-સૌરાષ્‍ટ્રના દરીયાકાંઠાના ગામોમાં ર૬મીએ બંધનું એલાન

જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી પાણી પોરબંદરના દરીયામાં ઠાલવવાની સરકારની યોજનાનો માછીમારો દ્વારા ઉગ્ર વિરોધ : પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની મીટીંગ મળીઃ રેલી કાઢીને કલેકટરને આવેદનપત્રઃ દરીયામાં પાઇપ લાઇન દ્વારા ઝેરી પાણી છોડવાની યોજના રદ કરાય નહી તો કાનુની લડતની ચિમકી : દરીયામાં ઝેરી પાણી છોડવાથી માત્ર માછીમારોને નુકશાન નહીં, ટ્રાન્‍સપોર્ટરો, બરફના કારખાનેદારો, ડીઝલના : ધંધાર્થીઓથી માંડીને રાશન પાણી વેચનારાઓને ગંભીર અસર

પોરબંદરઃ ગુજરાત ખારવા સમાજની મીટીંગ બાદ ખારવા સમાજની રેલી નીકળી હતી અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને  પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગોનું કેમીકલ્‍સવાળુ પાણી છોડવાનો વિરોધ દર્શાવ્‍યો હતો તે તસ્‍વીર. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૩:  ગુજરાત સમસ્‍ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ના અધ્‍યક્ષ સ્‍થાને ગુજરાત સમસ્‍ત ખારવા સમાજ (બારગામ) નુ વાર્ષિક અધિવેશન મીટીંગ  પોરબંદરમાં યોજાઇ હતી. જેમાં કચ્‍છ થી લઈને મુંબઈ ખારવા સમાજ ના પ્રમુખો અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમા ગુજરાતના સમુદ્ર ને પ્રદુષણ મુકત બનાવવા જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદર ના સમુદ્ર મા ઠાલવવાની યોજનાને રદ કરવા બાબત તથા ગુજરાત સમસ્‍ત ખારવા સમાજ ના લોક હિતાર્થે ચર્ચા-વિચારણા કરવામા આવેલ હતી. આ મીટીંગમાં દરીયામાં જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી પાણી પોરબંદરના દરીયામાં ઠાલવવા સામે વિરોધ કરવા ગુજરાત -સૌરાષ્‍ટ્ર દરીયાકાંઠાના તમામ ગામોમાં તા.ર૬મીએ બંધ પાળશે તેવો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા, ની આગેવાનીમા માંગરોળ સમાજના આગેવાન વેલજીભાઈ મસાણી તથા સમગ્ર દરીયાઈ પટ્ટીના પટેલોને લઈને પોરબંદર ના કલેકટરશ્રીને જેતપુર ના ટેક્ષટાઈલ ઉઘોગ ના ઝેરી પાણી પોરબંદર ના સમુદ્ર મા ઠાલવવાની યોજનાને રદ કરવા બાબતનુ આવેદન આપવામા આવેલ હતુ.

જેતપુર કેમીકલ વોટર વિષે ચર્ચા-વિચારણા કરેલ જેમા નક્કી કરવામા આવેલ હતુ કે, ગુજરાત ના સમુદ્ર મા પ્રદુષણ થશે તો લાખો લોકોની રોજીરોટી છીનવાઈ જશે અને સાથે -સાથે આરોગ્‍યને પણ ગંભીર અસર થશે. ફક્‍ત સાગરખેડુ જ નહી પરંતુ ભુમીખેડુત અને સર્વે લોકોને આની ખુબ જ માઠી અસર થશે અને ભવિષ્‍ય અંધકારમય થઈ જશે. માટે દરીયાઈ પટ્ટીના દરેક ગામોમાં ર૬મીએ બંધ પાડીને  પોતાના કામ-ધંધા બંધ રાખી ગામના દરેક સમાજ તેમજ સંસ્‍થાઓને સાથે રાખીને કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવા માટે જશે એવુ નક્કી કરવામા આવેલ. જો સરકારશ્રી આ બાબતનો વ્‍હેલીતકે ઉકેલ નહી લઈ આવે તો ગાંધી ચીંધ્‍યા માર્ગે જવુ અને જરૂર પડે તો કોર્ટનો સહારો પણ લેવામા આવશે. 

આ મીટીંગ મા ગુજરાત સમસ્‍ત ખારવા સમાજ (બારગામ) ના પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ - પોરબંદર, ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા-વેરાવળ, અખીલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા-વેરાવળ, માંગરોળ ખારવા સમાજ ના પ્રમુખ ધનસુખભાઈ ગોસીયા, જાફરાબાદ ખારવા સમાજ ના પ્રમુખ ભગુભાઈ સોલંકી, વણાકબારા ખારવા સમાજના પ્રમુખ કિર્તીભાઈ ગોહેલ, ઓખા ખારવા સમાજ ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, ઘોઘલા ખારવા સમાજ ના પ્રમુખ ભરતભાઈ બામણીયા, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ મોહનભાઈ ભુતિયા, તેમજ ગુજરાત સમસ્‍ત ખારવા સમાજ ના દરીયાઈ વિસ્‍તાર તથા શહેરી વિસ્‍તારમા વસવાટ કરતા જામનગર, દ્વારકા, માંડવી, મુંબઈ, ભીડીયા, મુન્‍દ્રા, સુરત, જામસલાયા, સીક્કા, માંડવીસલાયા, ઉના, દિવ, મુળદ્વારકા, સુત્રાપાડા, નવાબંદર, માધવાડ, ધામરેજ, વરવાડા, આરંભડા, મીઠાપુર, બેટદ્વારકા, પોશીત્રા, ગાંધીધામ, ચોરવાડ, ખંભાત, ભરૂચ, અમદાવાડ, બરોડા અને તમામ નાના-મોટા ગામો ના પટેલો તેમજ પોરબંદર ખારવા સમાજ ના ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ જુંગી, પોરબંદર ખારવા સમાજના માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, માજી વાણોટહરજીવનભાઈ કોટીયા, માજી વાણોટ સુનિલભાઈ ગોહેલ, તથા પોરબંદર ખારવા સમાજના પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્‍બરશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્‍કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્‍બરશ્રીઓ, અને ખારવા સમાજના માછીમાર આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

 ગુજરાત ખારવા સમાજના પ્રમુખ અને પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ તથા ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા સહિત આગેવાનોની ઉપસ્‍થિતિમાં ગુજરાતભરના ખારવા સમાજના અગ્રણીઓની બેઠકનું પોરબંદરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બે દિવસની બેઠક દરમિયાન ક્‍લેક્‍ટરને આવેદન આપવાની સાથોસાથ એવી રણનીતિ ઘડવામાં આવી હતી કે ૨૬ ડિસેમ્‍બરે ગુજરાતભરના દરિયાકાંઠાના ગામો બંધ પાડીને પોતાનો વિરોધ નોંધાવશે અને તેમાં સ્‍થાનિક સંસ્‍થાઓ ઉપરાંત સ્‍થાનિક આગેવાનોનો પણ સહકાર મળશે અને ત્‍યારબાદ ગામેગામ આવેદનપત્ર પાઠવવામાં આવશે. ત્‍યાર પછી પણ જો સરકાર આ પ્રોજેક્‍ટમાં ફેર વિચારણા નહીં કરે તો ના છૂટકે કોર્ટમાં જવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ. ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળે જણાવ્‍યું હતું કે અમે ખારવા સમાજે સમગ્ર ગુજરાતમાં ભાજપને લીડ અપાવી છે અને દરેક ચૂંટણીમાં અમે ભાજપની સાથે હોઈએ છીએ આમ છતાં પણ જો અમારી વાત સરકાર ના માને તો કઈ રીતે અમે જતું કરી શકીએ ? તેવા સવાલ સાથે આગામી રણનીતિ ઘડવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્‍થિત ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળના અગ્રણી જીતુભાઈ કુહાડાએ પણ સ્‍પષ્ટપણે જણાવી દીધું હતું કે આ આંદોલન માત્ર માછીમારોનું નહીં પરંતુ દરેક ગુજરાતીનું છે કારણ કે એક બાજુ વડાપ્રધાન દરિયા કિનારાને અને દરિયાને સ્‍વચ્‍છ રાખવા માટે જણાવે છે. બીજી બાજુ તેમની જ સરકાર દરિયાને પ્રદૂષિત કરવા માગે છે. આ બેવડી નીતિ કઈ રીતે ચલાવી શકાય ? પ્રદૂષણથી ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને તેનાં કારણે લાખો લોકોની રોજીરોટી ઉપર અસર થશે. એક ફિશિંગ બોટ ઉપર માત્ર ખલાસીઓ અને બોટમાલિક જ નહીં પરંતુ ૫૦૦ જેટલા લોકો નભે છે. ડીઝલ, રાશન પાણી બરફના ઉત્‍પાદકો અને ટ્રાન્‍સપોર્ટરોથી માંડીને મિષાી કામ કરતા કારીગરો જાળ ગૂંથતા કારીગરો સહિત હજારો લોકોની રોજીરોટી એક બોટ ઉપર હોય છે. આ બેઠકમાં ગામેગામથી મોટી સંખ્‍યામાં ખારવા સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને પોતાનો સ્‍પષ્ટ વિરોધ દર્શાવ્‍યો હતો.

(11:42 AM IST)