<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

દ્વારકામાં અવાવરૂ જગ્‍યામાં બિનવારસુ બાળકી મળી

 જામ ખંભાળિયા, તા. ૨૩ : દ્વારકામાં હાથી ગેઈટથી ખોડીયાર ચેકપોસ્‍ટ વચ્‍ચેની અવાવરૂ જગ્‍યામાં એક બાળક પડ્‍યું હોવા અંગેની જાણ એસ.આર.ડી.ના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવી, તેણીની હોસ્‍પિટલમાં ખસેડી હતી. સ્‍વસ્‍થ જણાતી આશરે ૩ થી ૪ માસની આ બાળકીને તેણીના માતા-પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્‍યક્‍તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂ એવી બાવળની ઝાળીમાં ત્‍યજી દેતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 ટોલ પ્‍લાઝામાં નુકસાની

 ધરમપુર ટોલ પ્‍લાઝા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક નીકળેલા જી.જે. ૩૭ ટી. ૫૪૨૧ નંબરના ટ્રકના ચાલક ભીખુભાઈ બુધાભાઈ સુમણીયાએ સેન્‍સર મશીનમાં ટક્કર મારી, તેને તોડી નાખતા વ્‍યાપક નુકસાની થવા પામી હતી. જે અંગેની ફરિયાદ ટોલ પ્‍લાઝાના કર્મચારી રાયમલભાઈ દેશાઈ (ઉ.વ. ૩૦) દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

દ્વારકામાં પરિણીતાને ત્રાસ

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતી અને કાદરભાઈ મોખાની ૨૪ વર્ષની પરિણીત પુત્રી ઓફરોજાબેન સલીમભાઈ સોઢાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સલીમ સાલેમામદ સોઢા, સાસુ શકીરનાબેન, જેઠ સુલતાનભાઈ, દિયર નજીરભાઈ અને નણંદ નૂરજહાં સતારભાઈ બેતારા દ્વારા અવારનવાર ઘરકામ બાબતે ઝઘડો કરી શંકા-કુશંકાઓ કરવામાં આવતી હતી.

આટલું જ નહીં તેણીના પતિને અન્‍ય યુવતી સાથે કથિત રીતે પ્રેમ સંબંધ હોવા અંગેની જાણ ફરિયાદી મહિલાને થતા તે પતિને સમજાવવા જતા તેણે ઢોર માર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ નિકાહના પૈસા લઈ અને તું તારા પિતાના ઘરેથી કાંઈ લાવી નથી. તને તારા પિતાએ કાંઈ દહેજ આપ્‍યો નથી તેમ કહી ત્રાસ ગુજારતા આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે  ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

ઓખામાં બે માછીમારો સામે કાર્યવાહી

ઓખાના ગાંધીનગરી વિસ્‍તારમાં રહેતા ઈશાક જુસબ ગાદ (ઉ.વ. ૩૫) અને મામદ જુમા બંદરી (ઉ.વ. ૨૭) નામના બે માછીમાર યુવાનોએ દરિયામાં માછીમારી કરવા માટેની મંજૂરી કે ઓનલાઈન ટોકન મેળવ્‍યા વગર માછીમારી કરતા ઓખા મરીન પોલીસે ઝડપી લઇ, બંને સામે કાર્યવાહી કરી હતી.

(2:20 PM IST)