<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પતિ અને પ્રેમીકાએ મળી પત્‍નીને મોતને ઘાટ ઉતારી દીધી

મોરબીના જાંબુડીયા ગામે બેભાન હાલતમાં મળી આવેલ પરણીતાના મોતના કિસ્‍સામાં મૃતકના પિતાની ફરીયાદ બાદ ઘટસ્‍ફોટઃ પ્રેમી સાથે રહેવાની લાલસામાં ખુની ખેલ ખેલાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૨૬:   મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ જાજરૂ ગયા બાદ બેભાન હાલતમાં પરિણીતાના મળત્‍યુના કિસ્‍સામાં પતિ અને સૌતને મળી પત્‍નીને મોતને ઘાટ ઉતારી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્‍ફોટ થયો છે. પતિ, પત્‍ની ઔર વો જેવા આ કિસ્‍સામાં મળતક પરિણીતાના પિતાની ફરિયાદને આધારે પતિ અને સૌતને વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ ઓલ્‍વિન સિરામિક ફેકટરીમાં રહેતા મૂળ મધ્‍યપ્રદેશના વતની રાહુલ રોડુમલ નાયકે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાની પત્‍ની રાની ઉર્ફે પાયલ જાજરૂ ગયા બાદ પરત ન આવતા તપાસ કરતા બેભાન હાલતમાં મળી આવ્‍યાનું તાલુકા પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું. બીજી તરફ પોલીસને બનાવ શંકાસ્‍પદ જણાતા મળતક રાની ઉર્ફે પાયલનું રાજકોટ ફોરેન્‍સિક પીએમ કરાવતા ગળાના ભાગે દોરડાના નિશાન હોવાનું સામે આવ્‍યું હતું તેમજ ઇજાના નિશાન જોવા મળ્‍યા હતા.

દરમિયાન મળતક રાનીના જેઠે રાનીના પિતા અર્જુનસિંહ મોડાજી નાયકને રાની મળત્‍યુ પામી હોવાની જાણ કરતા તેઓ મોરબી દોડી આવ્‍યા હતા અને પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકત જાહેર કરતા જણાવ્‍યું હતું કે, રાનીના પતિ આરોપી રાહુલ રોડુલાલા નાયકને તેના જ કારખાનામાં કામ કરતી રેવાલી સાથે પ્રેમ સંબંધ હોય બન્ને પતિ પત્‍નીની જેમ જ રહેતા હતા અને રાનીને રસ્‍તામાંથી હટાવી દેવા ત્રાસ આપતા હોવાથી છેલ્લા ઘણા સમયથી રાની ફરિયાદી પિતા અર્જુનસિંહ સાથે રાજસ્‍થાન રહેતી હતી. જેમાં એકાદ મહિના પૂર્વે રાહુલ રાજસ્‍થાન ગયો હતો અને હવે રાની સાથે ઝઘડો નહિ કરે તેમ કહી રાની અને રેવાલીને બન્નેને પત્‍ની તરીકે સાથે રાખશે તેમ કહી મોરબી લાવ્‍યો હતો.

વધુમાં અર્જુનસિંહે જણાવ્‍યું હતું કે, આરોપી રાહુલ તેમની દીકરી રાની ઉર્ફે પાયલને ફરી મોરબી લાવ્‍યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને ગત તા.૨૩ના રોજ રાહુલ અને રેવાલીએ રાની ઉર્ફે પાયલનો કાંટો કાઢી નાખવા પોતાની ઓરડીમાં ગળેટુપો આપી બાદમાં લાશને ઓરડીમાંથી બહાર નીચે ઉતારી દઈ ઠંડા કલેજે રાની બેભાન હાલતમાં મળી આવ્‍યાનું જાહેર કર્યું હોવાનું જણાવ્‍યું હતું. પતિ, પત્‍ની ઔર વો જેવા ચોંકાવનારા આ કિસ્‍સામાં પોલીસે હત્‍યા અંગેનો ગુંન્‍હો નોંધી પતિ અને સૌતનને ગિરફતમાં લેવા તજવીજ શરૂ કરી છે.

(11:23 AM IST)