News of Thursday, 26th December 2024
પોરબંદરના બળેજ, પાતા, માધવપુર, ઓડદર, રાતડીમાં ગેરકાયદે
ખનીજ ખાણો ઉપર દરોડાઃ ૫૬ લાખનો મુદામાલ સીઝ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૬: જિલ્લા કલેકટરની સુચનાથી ખાણ ખનીજ ખાતાની ટીમે દરિયાઇ પટ્ટી ઉપરના બળેજ પાતા માધવપુર, ઓડદર, રાતડીમાં ધમધમતી ગેરકાયદે ખનીજ ખોદકામની ખાણો ઉપર દરોડા પાડીને પથ્થર કટીંગ મશીનરી વાહનો, બીલ્ડીંગ સ્ટોન સહિત ૫૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
દરિયાઈ પટ્ટી પર બેફામ ખનનની ફરિયાદો બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ ખાતા વિભાગે જુદી જુદી ટીમ બનાવી અનઅધિકળત ખનીજ ખનન, વહન, સંગ્રહ અન્વયે તપાસ હાથ ધરી કુલ રૂ.૫૬ લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પાતા ગામે આકસ્મિક તપાસ દરમિયાન બે ચકરડી મશીન અને એક ટ્રેક્ટર દ્વારા બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ખનન કરતા પકડી પાડીને ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો હતો. તાલુકામાં રોડ ચેકિંગની કામગીરીમાં બળેજ ગામે કાળાભાઈ ખીમાભાઈના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ૧૩ મેટ્રિક ટન વહન કરાતા સીઝ કરીને કુલ ૧૫ લાખનો મુદ્દામાલ નવીબંદર પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો હતો. બળેજ ગામે લીલાભાઈ રાજાભાઈ પરમારના ટ્રકમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ૨ મૈટ્રિક ટન વહન કરાતા સીઝ કરીને પાંચ લાખનો મુદ્દામાલ નવીબંદર પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો છે.
માધવપુર ગામે અજીતભાઈ લખુભાઈ પરમારના ટ્રકમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ૧૩ મેટ્રિક ટન વહન કરાતા સીઝ કરીને ૮ લાખનો મુદ્દામાલ નવીબંદર પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો છે. ઓડદર ગામે ભરતભાઈ હાજાભાઈ ઓડેદરાના ટ્રકમાં લાઈમસ્ટોન ખનિજનું ૨૨ મેટ્રિક ટન વહન કરાતા સીઝ કરી ૧૫ લાખનો મુદ્દામાલ ક્લેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.
રાતડી ગામે રાજુભાઈ કેશાવાલાના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ૧૬ મેટ્રિક ટન વહન કરાતા સીઝ કરીને પાંચ લાખનો મુદ્દામાલ કલેક્ટર કચેરીએ રાખવામાં આવ્યો છે. રાતડી ગામે દિલીપભાઈ જીવાભાઈ કુછડિયાના ટ્રકમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું ૧૪ મેટ્રિક ટન વહન કરાતા સીઝ કરીને પાંચ લાખનો મુદ્દામાલ ક્લેક્ટર કચેરી ખાતે રાખવામાં આવ્યો છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
