<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

ગિરનારથી ગિરનાર તીર્થની પરિક્રમા સ્‍વરૂપ કરી છરી પલિત પદ માલીડાનગરમાં : સ્‍વાગત

પત્‍થરને પારસ, કથીરને કંચન કરવાનું કામ પાર્શ્‍વનાથ પરમાત્‍મા કરે છેઃ પૂ.પદ્મદર્શન વિજયજી મ.સા.

રાજકોટ તા.૨૬: ગિરનારથી ગિરનાર તીર્થની પરિક્રમા સ્‍વરૂપ કરી છરી પલિત પદ આજે માલીડાનગરમાં આવી જતાં સ્‍વાગત થયું હતું. આ પદયાત્રા સંઘમાં જૈનાચાર્ય ચન્‍દ્રજિતસૂરિજી મહારાજ આદિ ત્રણ આચાર્યો સહિત ગિરનાર તીર્થની પરિક્રમા ચાલી રહી છે. પ્રચંડ પુણ્‍યોદયના સ્‍વમી પાર્શ્વનાથ પ્રભુના જન્‍મ કલ્‍યાણક નિમિતે પ્રભુના જન્‍મોત્‍સવની ઉજવણી થઇ હતી. ભારતવર્ષમાં જૈનોના મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુ હોય જ છે. શંખેશ્વર,જીરાવલા, અંતરિક્ષજી અને ભીલડલયાજી તીર્થમાં આ દિવસે હજારો પ્રભુભક્‍તોની ભારે ભીડ જામે છે. એમ પૂ.પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્‍યું હતું.

તેઓશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, વર્તમાન સમયમાં પુણ્‍યનું પાવરહાઉસ નબળું પડયું છે. જેનાં કારણે માણસ જ્‍યાં ને ત્‍યાં ઠોકર ખાઇ રહ્યો છે. પુણ્‍યહીન લોકોના જીવનમાં સતત સંઘર્ષ અને સંક્‍લેશની શમશેરો ખેંચાતી હોય છે. ક્‍યારેક માણસ ટેન્‍શન કે ડીપ્રેશનમાં  આવી જઇને સુસાઇડનો વિચાર પણ કરી નાખતો હોથ છે. આવા સમયે આધાર તરીકે માત્ર ને માત્ર પરમાત્‍મા જ છે. પાર્શ્વનાથ પ્રભુ પ્રચંડ પુણ્‍યના માલિક છે. પ્રગતિ અને વિકાસના ક્ષેત્રે આગળ વધવું હોય તો પાર્શ્વપ્રભુને હૈયામાં પધારવા જોઇએ.

પાર્શ્વ પ્રભુનો જન્‍મ કાશી દેશની વારાણસી નગરીમાં હતો. પ્રભુનો જન્‍મ આપણી ભીતરમાં થવો જોઇએ. પ્રભુનું અવતરણ આપણા મનમંદિરમાં થાય તો જીવનની તમામ સમસ્‍યાઓ શાંત થાય છે. પ્રભુ પાર્શ્વનાથે પૂર્વના ભવમાં ૫૦૦ કલ્‍યાણકોમાં હાજરી આપી હતી. આથી તેનું પુણ્‍ય પ્રચંડ કક્ષાએ હતું. જગતનાં જીવોનું જેમના દ્વારા કલ્‍યાણ થાય તેને કલ્‍યાણક કહેવાય છે. પ્રભુ માનવ નહોતા પણ મહામાનવ હતા. મહામાનવ બનવા માટે જાતને ઘસી નાંખવી પડે છે.

પ્રભુનાં કલ્‍યાણક વખતે પવિત્ર ઊર્જાઓ નારકનાં જીવો માટે પણ શાતા, શાંતિ અને સમાધિદાય બને છે. કલ્‍યાણક વખતે ઇન્‍દ્ર મહારાજાનું સિંહાસન પણ કંપાયમાન છે તેના મૂળમાં પ્રભુના પુણ્‍યની પ્રચંડતા છે.

 

(2:37 PM IST)