<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દસ હજાર સહકારી મંડળીઓ લોકાર્પિત કરાઈ

જામનગર જિલ્લાની નવી નોંધાયેલ કુલ ૧૨ દૂધ મંડળીઓના હોદેદારોને નોંધણી પ્રમાણપત્ર અને ત્રણ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કરાયું

જામનગર : સરકારની "સહકારથી સમૃદ્ધિ"ની પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવી રચના કરવામાં આવેલ ૧૦,૦૦૦ જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મત્સ્ય ઉછેર સહકારી મંડળીઓના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મેગા ઇવેન્ટનું આયોજન તા.૨૫ના રોજ દિલ્લી ખાતે કરવામાં આવેલ.જ્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહેલ.જે અન્વયે જામનગર જિલ્લામાં પણ "વિવેકાનંદ ભવન" સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં અમિતભાઈ શાહના ઉદબોધનનું તેમજ રાજય કક્ષાના જીવંત પ્રસારણ સૌએ નિહાળેલ.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન કાંતિભાઈ ગઢિયા, ધી જામનગર જિલ્લા સહકારી બેન્કના સી.ઈ.ઓ.અલ્પેશભાઇ મોલિયા તથા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના વાઈસ ચેરમેન તથા ડીરેક્ટરઓ તથા સહકાર ભારતી પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત રહેલ જેમાં જામનગર જિલ્લાની નવી નોંધાયેલ કુલ ૧૨ દૂધ મંડળીઓના હોદેદારોને નોંધણી પ્રમાણપત્ર અને ત્રણ દૂધ મંડળીઓના હોદેદારોને બેંક દ્વારા માઈક્રો એ.ટી.એમ.નું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ.તેમજ સહકારી પ્રવૃત્તિઓથી થતા લાભો અને ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી મંડળીઓના હોદેદારો તથા સભાસદો બહોળી સંખ્યામાં હાજર રહેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર દ્વારા કરવામાં આવેલ.સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમ અંતર્ગત શુભેચ્છા સંદેશ પાઠવેલ.

(6:39 PM IST)