News of Monday, 30th December 2024
ધ્રોલ પાસે કાર-લકઝરી વચ્ચે અકસ્માતમાં ૧ર વર્ષની હેત્વી દવેનું મોત
રાજકોટ કોર્પોરેશનના કર્મચારી નિરવભાઇ નવનીતભાઇ દવે પરિવારના સભ્યો માતાજીના દર્શને જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઇઃ બસ ચાલક નાસી છૂટયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦: જામનગર- રાજકોટ હાઇવે રોડ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, અને ૧૨ વર્ષની બાળકીનું મોત થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીનો પરિવાર રાજકોટ થી દર્શનાર્થે ધ્રોળ તરફ આવતો હતો, જે દરમિયાન મોડપર ગામના પાટીયા પાસે લક્ઝરી બસ અને ઇકો કાર વચ્ચેના અકસ્માતમાં ૧૨ વર્ષની બાળકી મળત્યુ પામી છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં નગરપાલિકામાં નોકરી કરતા નીરવભાઈ નવનીતભાઈ દવે ના પરિવારના સાત સભ્યો ગઈ કાલે રવિવારની રજા ના દિવસે સવારે રાજકોટ થી નીકળીને ખોડાપીપર ગામ નજીક આવેલા માતાજીના દર્શને નીકળ્યા હતા.
તેઓ રાજકોટમાં થી જીજે -૩ એલ. આર. ૭૩૧૦ નંબરની ઇકો કારમાં બેસીને નીકળ્યા હતા. જે કારમાં નીરવભાઈ ના પત્ની તેમજ તેઓની બે પુત્રીઓ હેતવી (ઉંમર વર્ષ ૧૨) અને રાશિ (ઉં. વ. પોણા ચાર વર્ષ) ઉપરાંત પત્નીના ભાઈ ભાભી અને સાસુ સસરા કે જેઓ ખોડાપીપર ગામ પાસે આવેલા માતાજીના દર્શનાર્થે નીકળ્યા હતા. જેઓની ઇકો કાર જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક મોડપર ગામના પાટીયા પાસે પહોંચતાં પાછળથી આવી રહેલી જી. જે. ૧૪ એ.ટી. ૦૬૫૦ નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે એક સાઇડથી ઇકો કારને ઠોકર મારી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ઇકો કારનું એક સાઇડનું પડખું ચિરાઈ ગયું હતું, અને તે સાઈડમાં બેઠેલી હેતવી નીરવભાઈ દવે નામની ૧૨ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાના કારણે મળત્યુ નીપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલી બાળકીની માતા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જે તમામને ૧૦૮ નંબર ની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ પડધરીની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે મળતક હેતવીના પિતા નિરવભાઈ નવનીતભાઈ દવેએ ખાનગી લક્ઝરી બસ નંબર જીજે ૧૪ એ.ટી.૦૬૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી. જે. જાડેજા બનાવવાના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને બાળકીના મળતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા બાદ લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તે ભાગી છૂટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
