News of Monday, 30th December 2024
સંકલ્પ જ્યારે હૃદયમાંથી થાય ત્યારે સિદ્ધિ આંખમાં તરવરતી હોઈ : રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.
વેરાવળમાં ઉજવાયો નૂતન ધર્મસ્થાનકમાં ધર્મોત્સવઃ પ્રાણ ગુરુદેવના જીવન ચરિત્ર પર આધારિત મારા ગુરુ પ્રાણ દૃશ્યાવલીની પ્રસ્તુતિ

રાજકોટ, તા., ૩૦: આ દુનિયામાં ભૂલવા જેવું જીવન તો લાખો-કરોડો લોકો જીવી વિદાય લે છે. પરંતુ કોઈક એવા મહાપુરુષ હોય જેની વિદાય પછી યુગો યુગો સુધી સૌના હૃદયમાં તેમની જીવંત જ્યોત પ્રજ્વલિત હોય છે. એવા સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની ૬૮ મી પુણ્ય સ્મળતિ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ૨૮- ૨૯ ડિસેમ્બરના નૂતન જૈન ઉપાશ્રય ઉદઘાટન સમારોહ યોજાયેલ.
ભીખાલાલ નેમચંદ શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલ ભવ્ય શોભાયાત્રા જિનશાસન અને ગુરુવર્યોનો જય-જયકાર ગજાવતી ડુંગર દરબારમાં પહોંચતા ધર્મસભામાં પરિવર્તિત થયેલ. આ અવસરે સદાનંદી પૂજ્ય શ્રી સુમતિબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી તથા પૂજ્ય શ્રી અજિતાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી સુનિતાબાઈ મહાસતીજી આદિ એવમ પૂજ્ય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી આદિ ઠાણાની પાવન નિશ્રામાં સૌરાષ્ટ્રભરના શ્રી સંઘો, શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની સાથે લાઈવના માધ્યમે દેશ-વિદેશના લાખો ભાવિકો એ પળના સાક્ષી બન્યા હતા જ્યારે માત્ર ૭ મહિનાના અલ્પ સમયમાં સર્જન પામેલ નૂતન ધર્મસ્થાનક શ્રી શોભેચંદ કરસનજી ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ જૈન ઉપાશ્રયનું દ્વાર ઉદઘાટન લાભાર્થી શેઠ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશેષરૂપે વેરાવળના રાજેશભાઈ ચુડાસમા, સાંસદ વિમલભાઈ ચુડાસમા, ધારાસભ્ય પલ્લવીબેન જાની મ્યુનસિપલ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, મંત્રી પ્રદેશ ભાજપ રાજશીભાઈ જોટવા, પુર્વ ધારાસભ્ય માનસિંગભાઈ પરમાર, પુર્વ ભાજપ પ્રમુખ નવીનભાઈ શાહ, ટ્રસ્ટી શાંતિનાથ જૈન દેરાસર, ચેરમેન વીએમસી બેંક ટ્રસ્ટી વેરાવળ પાંજરાપોળ ઉદયભાઈ શાહ પ્રમુખ નવનાત વણિક સમાજ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુ પ્રાણને મહાપુરુષરૂપે ઓળખાવીને પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, મહાપુરુષોનો સંકલ્પ તે પહાડ જેવો હોય એકવાર લેવાય તો કદી તૂટે નહીં. હૃદયમાં સ્થાન એવા ગુરુ - પરમાત્માને આપો જે તમને સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડી દે, મોક્ષ સુધી પહોંચાડી દે. બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત ગુરુ પ્રાણ જીવન દૃશ્યાવલીની અદ્વિતિય પ્રસ્તુતિ સાથે નાના ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ નળત્ય - નાટય પ્રસ્તુતિ કરેલ, શ્રી હેમાક્ષીબેન રમેશભાઈ શાહ એવમ નિકિતાબેન ભૂષણભાઈ શાહ એ ચતુર્થ શ્રાવક વ્રત - નાની દીક્ષાના પ્રત્યાખાન ગ્રહણ કરેલ લુક એન લર્નની ૧૦૦થી વધુ શાખાઓ બાદ વેરાવળની ભૂમિ પર વધુ એક શાખાનો પ્રારંભ થતા વાતાવરણ હર્ષોઉલ્લાસીત થયું હતું.
નૂતન ઉપાશ્રયના નિર્માણ અર્થે અનુદાન અર્પણ કરનાર દરેક લાભાર્થી પરિવારને શ્રી સંઘ તરફથી ચાંદીની માળા એવમ પરમ ગુરુદેવના શ્રી હસ્તે સન્માનનું પ્રતિક અર્પણ કરવામાં આવેલ. ઉપાશ્રયના નવસર્જનમાં સેવા અર્પણ કરનાર ધવલભાઈ કારભારીનું ગોંડલ સંપ્રદાય વતી હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, જીગ્નેશભાઈ વોરા મનીષભાઈ દેસાઈ એ સન્માન કર્યું હતું.
શ્રી ઉવસ્સગહર સ્તોત્ર અભિમંત્રિત કળશનો લાભ સુરેશભાઈ કંપાણી, ધવલભાઈ કારભારી, નિર્મળભાઈ શાહ અને નરેન્દ્રભાઈ દોશી લઇ ધન્ય બન્યા હતા. વિશેષમાં, નૂતન ધર્મસ્થાનકના ઉદ્ધાટનની પાવનતાનો આનંદ પ્રસરાવવા વેરાવળના ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલ ચણાના લોટથી ૫૦,૦૦૦થી વધુ લાડવાઓ વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોના હજારો જરૂરિયાતમંદ પરિવારોમાં અર્પણ કરીને સહુને આ અવસરમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
