News of Tuesday, 31st December 2024
આયુષ્યમાન કાર્ડએ લંબાવી આયુષ્ય રેખા: કચ્છના મુસ્લિમ શ્રમજીવી યુવાનનું લીવર ટ્રાન્સપ્લાન્ટનું અતિ ખર્ચાળ ઓપરેશન નિઃશુલ્ક થયું
સરકારની શ્રેષ્ઠ આરોગ્ય સેવા દર્શાવતો નાનકડા કોટડા રોહા ગામનો પ્રેરક સંવેદનશીલ કિસ્સો, ગામના હિન્દુ આગેવાનો અને ભુજના સામાજિક કાર્યકર મનસુખભાઈ શાહના માર્ગદર્શન સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારે આપ્યું નવજીવન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : આયુષ્યમાન કાર્ડના ગેરઉપયોગના સમાચારો આપણે સૌ અત્યારે વાંચીએ છીએ ત્યારે ‘અકિલા’ માં પ્રસ્તુત આ યોજનાનો હકારાત્મક કિસ્સો વાંચવા જેવો છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ હા, ૩૦ લાખ રૂ.ની આસપાસનો અંદાજિત ખર્ચ ધરાવતી આ સારવાર કઈ રીતે નિઃશુલ્ક થઈ અને એક શ્રમજીવી યુવાનને નવજીવન મળ્યું અને એક પરિવાર ફરી કઈ રીતે ધબકતો થયો એ માનવીય સંવેદનાને ઉજાગર કરી હૃદયને ભીંજવે તેવો આ કિસ્સો છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા ખોટા ઓપરેશન કરી માનવતાને શર્મસાર કરનારાઓ આ કિસ્સો વાંચે કે આ સારી યોજના એક જરૂરતમંદ પરિવારને ખરેખર કઈ રીતે મદદરૂપ બની દર્દીને નવજીવન આપી શકે છે.
ભાઈ હું બિલકુલ હિંમત હારી ગયો હતો, મારી (‘અકિલા’ પ્રતિનિધિ વિનોદ ગાલા) સાથે વાત કરતા કાસમભાઈ ખલીફાનું હૃદય ભરાઈ આવ્યું. જો કે, એમની જગ્યાએ આપણા જેવા બીજા કોઈ પણ હોય એમની પણ એ જ સ્થિતિ થાય. કાસમભાઈના શબ્દોમાં જ વાતને આગળ વધારીએ કે, “શરૂઆતમાં પેટનો દુઃખાવો, પેટનું ફૂલી જવું યુરિનલ તકલીફ થઈ ભુજમાં ખાનગી તબીબને બતાવ્યું અને જ્યારે ડોક્ટરે લીવરની તકલીફનું નિદાન કર્યું. આ માટે લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન અમદાવાદ કે મુંબઇ જેવા મોટા શહેરમાં જવું પડશે અંદાજિત ૩૦ લાખ આસપાસ ખર્ચ થઈ શકે છે. એવી જાણકારી આપી.” માંડવી અને નખત્રાણા તા.ને અડીને આવેલ નાનકડા એવા કોટડા રોહા ગામમાં હેર કટીંગ સલૂન (તળપદી ભાષામાં કહીએ તો હજામતનો ધંધો) ચલાવી નાનું ગામ, નાનકડી દુકાનમાં ધંધો કરી પેટિયું રળનાર પરિવાર માટે તો જાણે આભ તૂટ્યું હોય એવી પરિસ્થિતિ હતી. પરિવારમાં પત્ની, પુત્રી અને પોતે. ઘરના રોટલા ચાલે એટલી કમાઈ વચ્ચે બીમારીની સારવાર માટે લાખોનો ખર્ચ. ઓપરેશન ભુજમાં તો શક્ય ન બને અમદાવાદ જવું પડે. પરંતુ, આ પરિસ્થિતિ વચ્ચે મામાઈ ભાઈ અબ્દુલભાઈ ખલીફાએ ગામના જ ભાવેશભાઈ ગોરને વાત કરી તેમણે જૈન અગ્રણી તારાચંદભાઈ દેઢિયા, મેહુલભાઈ દેઢિયાને કહ્યું. આ આગેવાનો મૂળ કોટડાના જ પણ ધંધાર્થે ભુજમાં રહે. એમણે ભુજમાં સામાજિક કાર્યકર અને લાયન્સ ક્લબમાં મેડિકલ કન્વીનર મનસુખભાઈ શાહનો સંપર્ક કર્યો. મનસુખભાઈ શાહએ આશ્વાસન આપી આ સમગ્ર સારવાર અને ઓપરેશન અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં એચ.એલ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં થઈ જશે અને આયુષ્યમાન કાર્ડ (PMJAY) હેઠળ થઈ શકશે એવી જાણકારી આપી સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરી તેમને અમદાવાદમાં કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરી. સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે એ નિદાન થયું. ઓ પોઝિટિવ ગ્રુપનું લીવર જોઈશે. પરંતુ લીવર માટે આ ગ્રુપના જ ડોનર જોઈએ. આ મેચ લીવર મળે? કસોટી ઉપર કસોટી. કેવી? લીવર ડોનેશન માટે નિયમ મુજબ રજીસ્ટ્રેશન માટે ૨ લાખ રૂપિયા ભરવાના. ટ્રાન્સફર માટે તો આયુષ્યમાન કાર્ડ હોઈ કોઈ ઓપરેશન નિઃશુલ્ક જ હતું. પરંતુ અહીં જુઓ કેવી રીતે સરકારી યોજના મદદે આવી. દર્દી કાસમભાઈ ખલીફા ગળગળા સાદે કહે છે, “મારી પાસે બીપીએલ કાર્ડ હતું. તબીબોએ કહ્યું બીપીએલ કાર્ડ ધારક માટે રજિસ્ટ્રેશન શુલ્ક નિઃશુલ્ક છે.” રજીસ્ટ્રેશન કરાવી અમે પરત કચ્છ ફર્યા. પરંતુ અહીં નસીબ મદદે આવ્યું. ઘર પહોંચ્યા અને બીજા જ દિવસે લીવર ડોનર મળી ગયા છે અમદાવાદ આવી જાઓ એવો મેસેજ હોસ્પિટલમાંથી આવી ગયો. એક એક્સિડેન્ટ કેસના પેશન્ટનું લીવર મેચ હતું અને લીવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું. એક મહિનાથી વધુ સમય હોસ્પિટલમાં ઇન ડોર પેશન્ટ તરીકે રહ્યા. દવાઓ પણ નિઃશુલ્ક અને ઓપરેશન પણ નિઃશુલ્ક.” આમ, કોઈ પણ ખર્ચ વગર મારું ઓપરેશન એકદમ સફળ રીતે થઈ ગયું. આજે એક પરિવાર ફરી ધબકતો થઈ ગયો છે. કાસમભાઈ ખલીફાને નવું જીવન મળ્યું છે. કાસમભાઈ અને તેમના કૌટુંબિક ભાઈ અબ્દુલભાઈ ખલીફા “અકિલા” ને કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ PMJAY યોજના ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે આશાનું કિરણ છે. તેમણે લાયન્સ ક્લબના મેડિકલ કન્વીનર મનસુખભાઈ શાહનો વિશેષ આભાર માની જરૂરતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવાની તેમની સેવા બિરદાવી હતી.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
