News of Tuesday, 31st December 2024
ધોરાજી ત્રણ દરવાજા પાસે શાકભાજીની રેકડીનું દબાણ હટાવાયુ....
સુધરાઇ કોલોની તરફ પણ દબાણ ખુલ્લું કરાવાયું: કુલ ૧૧૦૦ વાર ૨૨,૦૦,૦૦૦નું દબાણ ખુલ્લું થયુ...

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૩૧: ધોરાજી શહેરમાં સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર ઊભા થયેલા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ત્રણ દરવાજા નજીક શાકભાજીની રેકડી ધારકો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું જે દબાણ ધોરાજીના ડેપ્યુટી કલેકટર નાગાજણ એમ.તરખાલા તેમજ ધોરાજીમાં નવી બનેલી ડેપ્યુટી એસપી કચેરીમાં આવેલા નવનિયુકત મહિલા અધિકારી આઈ.પી. એસ. સિમરન ભારદ્વાજ અને નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા ના નેતૃત્વ હેઠળ દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્રણ દરવાજા પાસે આવેલ રેકડી ધારકો દ્વારા અગાઉ દબાણ હટાવવા મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમ જ ઈચ્છા મૃત્યુ માટેની માગણી કરતો પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી. જોકે કોર્ટે દ્વારા લારી ધારકોની અરજી સ્વીકારવામાં આવી ન હતી.
ત્રણ દરવાજા પાસેનું દબાણ હટાવવામાં કોઈ જાતનો ઘર્ષણ કે સંઘર્ષ ન થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પૂરતું ધ્યાન રાખી પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ પર હાજર રહી લારી ધારકોને સમજાવટપૂર્વક લારી હટાવવાનું જણાવેલ અને ત્યારબાદ જેસીબી વડે નડતરરૂપ ઓટા સહિત દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ જ પ્રકારે ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ સુધરાઈ કોલોની નજીક જાહેર રસ્તા પર થયેલા દબાણને પણ હટાવવામાં આવ્યું હતું.
ત્રણ દરવાજા પાસે લારી ધારકોના દબાણની આશરે ૧૦૦૦ ચોરસ વાર જમીન કિંમત અંદાજિત ૨૦ લાખ રૂપિયા અને સુધરાઈ કોલોની પાસેની ૧૦૦ ચોરસ વાર જમીન અંદાજિત કિંમત રૂપિયા બે લાખ કુલ મળી બંનેથી ૧૧૦૦ ચોરસ વાર નું દબાણ ૨૨ લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
