News of Tuesday, 31st December 2024
વિસાવદરના હનુમાન પરા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ : લોકો ત્રાહિમામ
મારૂતિનગરમાં મકાનને તાળું મારી કોઈ બહાર જાય એટલે થઈ જાય છે ઘરફોડી : રહેણાંકવાસીઓ સમૂહમાં પોલીસ સ્ટેશને દોડી ગયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૧ : વિસાવદર શહેરના હનુમાન પરા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. હનુમાનપરા વિસ્તારમાં આવેલ મારૂતિનગરમાં રહેતા કનુભાઈ ગોવિંદભાઈ વેકરીયા, ગૌતમભાઈ ગોસ્વામી, હરેશભાઈ ગીલાભાઈ રાઠોડ, વલ્લભભાઈ માસ્તર, જનકભાઈ શાંતિભાઈ ભટ્ટ, રમાબેન વાણંદ, જેન્તીભાઈ રણછોડભાઈ રાખોલીયા અને છેલ્લે કનુભાઈ ગોવિંદભાઈ વેકરીયાના મકાનમાંથી સોનાના દાગીના, રોકડની ચોરી થઈ છે. આ તમામ લોકોના રહેણાંક મકાનમાં છેલ્લા એક વર્ષમાં સમયાંતરે ચોરીની ઘટનાઓ બનતી રહી છે.
વિસાવદરના હનુમાનપરામાં આવેલા મારૂતિનગરમાં છેલ્લા થોડા સમયમાં ૮થી ૯ રહેણાંક મકાનોમાં ચોરી થઈ છે. રહેણાંકવાસીઓના કહેવા મુજબ પોલીસ દ્વારા અરજી લેવામાં આવે છે પણ આરોપી હજુ પકડાયા નથી. આખરે સ્થાનિકોએ પોલીસને રજુઆત કરી તત્કાલ આરોપીઓને પકડવા માંગ કરી છે.
વિસાવદરના સતાધાર રોડ પર આવેલા હનુમાન પરા વિસ્તારના મારૂતિનગરમાં અવાર-નવાર ચોરીની ઘટનાથી સ્થાનિકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોને ઘરે તાળુ મારી બહાર જવાનું થાય એટલે સૌથી પહેલા ચોરીનો ડર સતાવે છે. હનુમાનપરા વિસ્તારના લોકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. તેઓએ રજુઆત કરેલ કે, અનેક બનાવમાં ઘરે લગ્નનો પ્રસંગ હોય દાગીના, રોકડ ઘરે રાખ્યા હોય અને પરિવારને કામકાજ સબંધે બહાર જવાનું થાય તો તેના ઘરમાં પણ ચોરીના બનાવ બન્યા છે. આવી સ્થિતિના કારણે લોકોને પ્રસંગ બગડે છે અને મરણ મુડીની ચોરી થવાથી જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરીના બનાવને અંજામ આપવામાં આવે છે. જે લોકો બહાર જાય તેના ઘર પર બહાર તાળુ હોય તેને જ નિશાન બનાવે છે. એકાદ-બે દિવસ બહાર જાય ત્યાં ચોરીની ઘટના બની જાય છે. અનેકવાર ચોરીના બનાવથી મારૂતિનગરના લોકોએ હનુમાનપરાના પટેલ સમાજ ખાતે બેઠક બોલાવી હતી. જેમાં હવે જે લોકો બહાર જાય તેણે આસપાસના લોકોને જાણ કરી દેવી તેવું નક્કી કર્યું છે. સ્થાનિકોએ પોલીસને રજુઆત કરી તાત્કાલીક ચોરી કરતા તત્વોને પકડી પાડવા માંગણી કરી છે. પોલીસ તંત્રને રજુઆત સમયે રાજકીય આગેવાનો સહિત રહેણાંકવાસીઓ હાજર રહ્યા હતા. પોલીસે મારૂતિનગર સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની ખાત્રી આપી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
