<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ગિરનાર તીર્થની ૮૦ કિ.મી.ની મોટી પરિક્રમાનો પ્રારંભઃ દેશ-વિદેશથી ૮૦૦થી વધુ ગિ૨ના૨ પ્રેમીઓ ઉમટયા

જૈનો દ્વારા વર્ષમાં એકવાર અમાસના દિવસે થાય છે પરિક્રમા

રાજકોટ, તા. ૩૧ : ગિરનાર તીર્થથી ગિરનાર તીર્થની મોટી પરિક્રમા ૮૦ કિ.મી.ની પૂ. જૈનાચાર્ય ચન્‍દ્રજિતસૂરિજી, અભય ચન્‍દ્રસૂરિજી, તપોનિધિ હેમવલ્લભસૂરિજી અને પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની સંપન્ન થયા પછી આજે સવારે ૭ કલાકે પહાડની અંદરની ૨૭ કિ.મી. ની પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જેમાં ૮૦૦ થી વધુ ગિ૨ના૨પ્રેમીઓ સમગ્ર દેશ- વિદેશમાંથી ઉમટયાં હતા. જંગલની આ પરિક્રમા અમાસના દિવસે વર્ષમાં માત્ર એક વાર જ જૈનો કરતા હોય છે. એમ કહેવાય છે કે ગિરનાર તીર્થની અધિષ્‍ઠાત્રી ના અંબિકા અમાસના દિવસે આ પરિક્રમ માટે નીકળતા હોય છે.

‘જય ગિરનાર' અને ‘જય નેમિનાથના' જયઘોષ વચ્‍ચે ગિરનારની ગોદમાં પ્રકળતિના સૌન્‍દર્યને માણવા તેમજ ખુદની પ્રકળતિનું કુદરતની પ્રકળતિ સાથે મેચીંગ કરવા માટે પ્રભુભકતોએ પ્રયાસ કર્યો હતો.છ દિવસ સુધી બહારની પ્રકળતિ સાથે રહ્યા હવે જંગલની પ્રકળતિ સાથે ભીતરી આત્‍માની પરિક્રમાનો આ અણમોલ અવસર પ્રાપ્ત થયો હતો. એમ પૂ. પંન્‍યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ જણાવ્‍યું હતું.

 પૂ. આ.ચન્‍દ્રજિતસૂરિજીએ આશીર્વચનો દ્વારા જણાવ્‍યું હતું કે, તમે મંદિરને જેટલું પવિત્ર માનો છો, એટલોજ આ શુદ્ધિ અને શોર્યથી ભરચક આ જંગલ તેમજ પવિત્ર પહાડ છે. આ યાત્રા પ્રકળતિ સાથે તમારી પ્રકળતિનું મેચીંગ કરવા માટે છે. આત્‍માની પ્રકળતિનું મેચીંગ પહાડની પ્રકળતિ સાથે કરવાનું છે. મનથી નિર્વિકલ્‍પ અને શાંત બનીને આ યાત્રા કરવાની છે. હજારો વર્ષો સુધી અનંતા સાધકોની સાધનાથી પરિપ્‍લાવિત થયેલી આ પવિત્ર ઘરતી છે. જેટલો પવિત્ર શત્રુંજયનો છે, એટલો જ પવિત્ર ગિરનાર તીર્થનો પહાડ છે. બંને ભૂમિ શાશ્વત છે. આ ગિરનાર કોઈ જંગલ નથી પણ અનંતા સાધકોની સાધનાનું મંદિર છે. આ ધરતીની સંપૂર્ણ મર્યાદાનું પાલન કરવાનું છે. અહિં પ્‍લાસ્‍ટિકનો નાનકડો ટૂકડો કે ખાદ્ય પદાર્થોને સાથે લઈ જવાના નથી. ગિરનાર તીર્થ ઉપર મોબાઈલને સાયલન્‍ટ જ રાખવાનો છે.આપણે પ્રભુ સાથે કનેક્‍ટ થવાનું છે. જેથી ઉપર નેટવર્ક ન મળે તે બહુ સારું છે. ફોટો સેશનનો પણ ત્‍યાં પ્રતિબંધ છે. પ્રભુએ આ જ ધરતી ઉપર ૫૪ દિવસ સુધી વિચરણ કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાને હાંસલ કરી હતી. ગુલાબની સુવાસ ને પ્રાપ્ત કરવા માટે નાકને શુદ્ધ રાખવાનું છે તેમ સાધકોની સાધનાની સુવાસ માણવા માટે સંપૂર્ણ શાંત થવું જરૂરી છે. આ પરીક્રમા સાધનાનું મંદિર છે; વન્‍ય પશુઓનું જંગલ નથી. આ પશુઓ પણ વન્‍ય વિભાગ માંથી બહાર આવતા નથી. એમને પણ શાંતિ જોઈએ છે. તમે એમનાથી જરાય ડરશો નહીં. અભયારણ્‍ય છે. એશિયાનાં શ્રેષ્‍ઠ સિંહો આ સાધનાના ક્ષેત્રમાં છે. જગતનાં જીવો સાથે આપણે મૈત્રી કેળવવાની છે. મૈત્રીને ડેવલપ કરવા માટે આ ભીતરી પરિક્રમા છે. ઈનર નેટવર્ક પ્રાપ્ત કરવા બહારનું નેટવર્ક છોડવું પડશે.

(4:17 PM IST)