તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 1st January 2025
વિજ્ઞાનએ કુદરત પાસેથી પ્રેરણા મેળવે છેઃ વૈજ્ઞાનીક ડો.અજયકુમાર સુદ વિદ્યાર્થી અવસ્થાએ જીવન ઘડતરનો સુવર્ણ તબક્કો : સ્વામી ધર્મબંધુજી
ઉપલેટાના પ્રાંસલામાં વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષા શિબીરનો આજે પાંચમો દિવસ

(દિનેશ પરમાર દ્વારા) પ્રાંસલા, તા., ૧: પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૫મી રાષ્ટ્રકથા શિબીરના આજે ચોથા દિવસના પ્રવચન સત્રને દિલ્હીથી ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર ડો.અજયકુમાર સુદ, બેંગ્લોરથી કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના ભટ્ટ, કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાક તેમજ નેવીના રીઅર એડમીરલ સતીષ વાસુદેવન ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામી ધર્મબંધુજીએ શિબીરાર્થીઓને જીવનમાં સક્ષમ બનવા પ્રેરતા જણાવેલ કે, સૌથી આવશ્યક કાર્યને સૌથી પહેલા કરવું. શારિરીક સ્વસ્થતા અને માનસિક દ્રઢતા જાળવી રાખવી, સદૈવ જ્ઞાન પ્રાપ્ત કરવા અધ્યયનશીલ રહેવું. આ તબક્કે તેમણે જ્ઞાન પ્રાપ્તિના ચાર સ્રોત પરિવાર, સમાજ, શાળાકીય/ કોલેજનો અભ્યાસક્રમ અને કુદરત વિશે વિસ્તારથી સમજાવ્યું હતું. ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે કર્મઠતા પૂર્વક પ્રયાસો કરવા.
તેમણે ઉમેર્યુ હતું કે, વિદ્યાર્થી અવસ્થા એ જીવન ઘડતરનો સુવર્ણ તબક્કો છે. જે વિદ્યાર્થી તેના જીવનના પ્રથમ ૨૫ વર્ષ શિસ્તબધ્ધ, સંયમપૂર્વક અધ્યયન કરીને કારકિર્દી ઘડતર કરે છે તે બાકીના જીવન આરામદાયક, સન્માનિય જીવન જીવે છે. જયારે તેનાથી ઉલટું જે વિદ્યાર્થી પોતાના જીવનના આરંભિક સમયગાળો મોજ મસ્તી અને આળસમાં પસાર કરે છે તેની કોઈ ઓળખ ઉભી થતી નથી અને જીવનભર શ્રમિક કાર્યોમાં જોતરાયેલું રહેવું પડે છે.
દિલ્હીથી પધારેલ વિદ્વાન વૈજ્ઞાનિક સલાહકાર ડો. અજયકુમાર સુદ એ રાષ્ટ્રની પ્રગતિના ચાર આધાર સ્તંભ લેખાવ્યા હતા. શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધન. જે રાષ્ટ્ર પાસે આ ચાર પરિબળો સબળ હોય તેની સાથે અન્ય પરિબળો જોડાઈ જાય અને જે તે રાષ્ટ્ર વિકાસની નવી ક્ષિતિજ સર કરી શકે. વિજ્ઞાન કુદરત પાસેથી પ્રેરણા મેળવે છે તેની સરળ રજુઆત કરતી પીપીટી દર્શાવી અને સરળ ભાષામાં જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના જાણીતા સિધ્ધાંતો કેવી રીતે મળ્યા છે તે સમજાવ્યું હતું.
બેંગ્લોરથી પધારેલ કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ ક્રિષ્ના ભટ્ટએ જણાવ્યું હતું કે, માત્ર અંગ્રેજી ડિક્ષનરીમાં જ સકસેસ એટલે કે સફળતા ‘વર્ક અર્થાત મહેનત પહેલા આવે છે. હકીકતમાં કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સફળતા માટે સાવ નીચેથી શરૂઆત કરવી પડે છે. આપની ઋચિ અનુસાર જીવનમાં યોગ્ય ધ્યેય નક્કી કરી તેને પામવા માટે આયોજન કરો. આ સાથે સંનિષ્ઠ અભિગમ જ તમારા ધ્યેયની ઉંચાઈને આંબવાની શકયતા નિર્ધારીત કરે છે તેમ સમજાવી સફળતા પામવાની સાથે સર્વ જીવ પ્રત્યે અનુકંપા દાખવવા અનુરોધ કર્યો હતો.
કેરાલા હાઇકોર્ટના જસ્ટીસ એ.એમ. મોહમ્મદ મુસ્તાકએ શિબ્રિાર્થીઓને પરોપકારી કાર્યોથી જ સાચી ખુશી મળે છે એમ સમજાવતા જણાવેલ કે, પ્રત્યેક વ્યક્તિ પોતાની અને પોતાની પરિવારની પૂર્તતા માટે આર્થિક ઉપાર્જન કરવા ક્રિયાશીલ રહે છે. પરંતુ આ સાથે સદૈવ સમાજઅને રાષ્ટ્રના ઉત્થાનમાં પણ યથાશક્તિ યોગદાન આપે તો જ તેના જીવનની સાર્થકતા તે અનુભવી શકે છે.
નેવીના રીઅર એડમીરલ સતીષ વાસુદેવનએ શિબિરાર્થીઓને વિશ્વનો ૭૦ ટકા વિસ્તાર સમુદ્ર દ્વારા રોકાયેલ છે અને ૯૦ ટકા વેપાર સમુદ્ર માર્ગે થાય છે તેમ જણાવીને ભારતના સમુદ્ર ઇતિહાસ વિશે માહિતગાર કર્યા હતા.
ભારતની ૧૧૦૯૯ જેટલી વિશાળ સમુદ્ર સીમાઓની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ થતા કાર્યો વિશે પીપીટીથી વિસ્તળત સચિત્ર માહિતી આપતા એડમીરલ વાસુદેવને ભારતીય નૌકાદળની રચના, તેની પાસે ઉપલબ્ધ શીપ, સબમરીન, એર ક્રાફટ વિગેરેની સચિત્ર જાણકારી આપી હતી. આ તકે નેવી દ્વારા પ્રદર્શન યોજાયું હતું.
આજે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ સંદિપ મહેતા, એર ફોર્સના ચીફ ઓફ સ્ટાફ એ.પી.સિંહ રોના ઉચ્ચ અધિકારી આર. એન. સિંગ, બેંગ્લોરથી નહેરુ પ્લેટોનિરીષ્મના ડો. ગુરૂ પ્રસાદ ઉપસ્થિત રહયા છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
