<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

અમરેલી લેટરકાંડમાં પોલીસે યુવતીનું સરઘસ કાઢ્યું !: કોંગ્રેસ નેતાઓ આકરા પાણીએ :'ભાજપ નેતાનો અહમ સંતોષવા દીકરી સાથે અન્યાય

પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઈપિસ્ટ યુવતીને આરોપી બનાવી અપમાનિ કરતાં ભાજપમાં પણ આંતરિક ઘૂંઘવાટ: અલ્પેશ કથીરિયાએ નારાજગી વ્યક્ત કરી. પ્રતાપ દૂધાત અને જેની ઠુમ્મરે આક્રોશ ઠાલવ્યો:ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટર બૉમ્બ ફોડનાર ભાજપના જ નેતાઓ નીકળ્યા

અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરૂદ્ધ ભાજપના જ નેતાઓએ લખેલા બોગસ પત્રકાંડમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતી પાટીદાર યુવતીનું પણ રીઢા ગુનેગારોની માફક સરઘસ કાઢવાનો મુદ્દો હવે સળગ્યો છે. આ મામલો અમરેલી ભાજપની આંતરિક ટાંટીયાનો હોવા છતા ઓફિસમાં નોકરી કરતી સામાન્ય પરિવારની દીકરીને પણ જાહેરમાં અપમાનિત કરવામાં આવતા ખુદ ભાજપમાં પણ સવાલો ઉઠયા છે. PAASના પૂર્વ નેતા અલ્પેશ કથીરીયા ઉપરાંત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિતના નેતાઓએ ખુલ્લી નારાજગી વ્યકત કરી છે અને યુવતીની ધરપકડથી માંડી સરઘસ કાઢવા સુધીના ઘટનાક્રમમાં કાયદાના લીરા ઉડયા હોવાનું જણાવ્યું છે.

હકીકતમાં થોડા દિવસ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લેટર બોમ્બ ફૂટ્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપને બદલે કોંગ્રેસીઓને વધુ મહત્ત્વ આપતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમરેલી તાલુકા પંચાયતનો પણ તમામ વહીવટ કૌશિક વેકરીયા જ કરે છે, પ્રમુખને તો માત્ર તેમના કાર્યાલયે જઈને જ્યાં કહે ત્યાં સહી કરવાની હોય છે. અમરેલી નગર પાલિકા અને જિલ્લા પંચાયતનો વહીવટ પણ કૌશિક વેકરિયા જ કરી રહ્યા છે.તેમની પાસે પાવર હોવાથી કોઈ કશું બોલતું નથી.

કૌશિક વેકરીયા પર લગાવવામાં આવેલા આરોપો બાદ પોલીસે તપાસ હાથ ધરી અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે. જેમાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયાએ પત્ર વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું હતુ. આ મામલે અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

 

જે બાદ અચાનક રાતે મનિષ વઘાસીયાની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી દીકરીની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી લીધી અને તેનું સરઘસ પણ કાઢ્યું હતું. જે બાદ હવે પાટીદાર સમાજ સહિત રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ મામલે ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેઓ એડવોકેટ પણ છે જેના કારણે તેમણે આ મામલે કહ્યું હતું કે, સૌથી પહેલા દીકરીની પોલીસે સૂર્યાસ્ત પછી ધરપકડ કરી હતી. બીજું કે તેને સાક્ષીની જગ્યાએ આરોપી બનાવી દીધી અને ત્રીજું કે તેનું સરઘસ કાઢ્યું. આ દરેક જગ્યાએ પોલીસની જ ભૂલ છે. દીકરી માત્ર મનિષ વઘાસિયાની ઓફિસમાં ટાઇપિસ્ટનું કામ કરતી હતી. જો કે પોલીસે તેની જ ધરપકડ કરી તેને આરોપી બનાવી દીધી.

આ ઉપરાંત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર જૂથવાદમાં લેટરકાંડ થયો છે. જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી અને જેઓ પોતાના માલિક ના કહેવા પ્રમાણે ટાઈપ કરતી હતી. જેનો કોઈને બદનામ કરવાનો ઈરાદો ન હતો, પોતે પોતાના માલિક કે કહ્યું તે પ્રમાણે ટાઇપ કરી આપ્યું હતું. આમ છતાં આ દીકરીને આરોપી બનાવી રાત્રે 12:00 વાગ્યે અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરીને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર આ દીકરીનું સરઘસ કાઢીને મુખ્ય રસ્તા પર ચલાવી અને બનાવના સ્થળ પર લઇ ગયા હતા.

જેમાં આ દીકરીને પણ રસ્તા પર ચલાવી અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાના અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કરેલ જેમાં કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રીના સમયે ધરપકડ ના કરાઈ અને કોઈ પણ મહિલાને ફોટો આવે તેમ લોકો વચ્ચે લાવવામાં ના આવે તેમ છતાં સરઘસ કાઢવામાં આવ્યો હોવાથી અમરેલી પોલીસ કોઈ કાયદા અને બંધારણીય જોગવાઈ મુજબ આ દીકરીની સાથે અન્યાય કરેલ છે. અમરેલી જિલ્લામાં ગુન્હેગાર બેફામ દારૂ, ખનીજ ચોરી વગેરેના આરોપી સામે ક્યારેય સરઘસ કાઢ્યું નથી અને હાલ ઘણા ફરાર આરોપી અમરેલી જિલ્લામાં ખુલ્લે આમ ફરી રહ્યા છે, તે આરોપીને ક્યારેય પકડવામાં આવતા નથી. આથી આ અમરેલી પોલીસના અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરવા અમારી માંગ છે.

આ મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ ઘટના બંધારણની જોગવાઇની તદન વિરૂદ્ધ હોય, સમાજના આગેવાનોએ આ બાબતે બહાર આવી સમાજની દીકરીને સાથ- સહકાર આપવો જોઇએ. આવી રીતે બિન અધિકૃત સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક પગલા ભરવા સરકાર પાસે માંગણી કરવી જોઇએ. આ સાથે જયારે રાજકીય મનસ્વી પ્રવૃતિ કરે, ત્યારે સમાજના મોભી અને આગેવાનોને ખરો રાહ દેખાડવાની જવાબદારી છે. આથી આ બાબતે નિવેદન આપવા પણ માંગણી કરી છે.
બીજી તરફ અમરેલી કોંગ્રેસના મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે પણ યુવતીનું રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢવાની ઘટના અંગે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો છે. જેનીબેને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યું છે કે, અમરેલી ખાતે હું બધાને વિનંતી કરું છું કે, દીકરીના જામીન ના થાય અને ઘરે ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે રાજકીય રંગ ના આપો. દીકરીનું ઘરે પહોચવું અગત્યનું છે.

પોતાના સમાજની દીકરીની રક્ષા ન કરે એ સ્ત્રી સશક્તિકરણના ભાષણો પણ ના જ કરે. પત્ર લખ્યોને તમે બધાને પકડી બતાવ્યા સરઘસ કઢાવ્યા પણ હત્યારાઓ, લૂંટારાઓ, ડ્રગ્સ અને દારૂૂ વેચનારાઓને નથી પકડાવી શકતા અને અમરેલીના નાયક અને નાથ બનવું છે.

(8:36 PM IST)