તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ગોંડલમાં ઘોઘાવદર રોડ પર ‘હિટ એન્ડ રન': છ બહેનના એકના એક ભાઇ મહેશભાઇ પરમારનું મોત
સાંજે ચાલીને આટો મારવા નીકળ્યા ત્યારે કોઇ વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટમાં મૃત્યુઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨: ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક પ્રોૈઢનું મૃત્યુ થયું છે. સાંજે તેઓ ચાલીને ઘોઘાવદર રોડ પર જઇ રહ્યા હતાં ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવારમાં દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ ભગવતપરામાં રહેતાં મહેશભાઇ નાથાભાઇ પરમાર (ઉ.વ.૫૨) સાંજે ચારેક વાગ્યે ઘરેથી આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘોઘાવદર રોડ પર નાગદાદાના ઓટા પાસે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયા હતાં. અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો હતો. બનાવને પગલે લોકો એકઠા થઇ જતાં મહેશભાઇને ગોંડલ હોસ્પિટલમાંખસેડયા હતાં.
હાલત ગંભીર હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેવાતાં પરિવારજનોએ રાજકોટ ખસેડયા હતાં. અહિ રાતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મહેશભાઇ સેન્ટીંગ કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ છ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
